સંતરામપુર બસ મથકમાં સાફ સફાઈના અભાવે ઠેર ઠેર કચરો તથા ગંદકીનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. જેથી મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એસ.ટી.તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ ઉઠવા પામી છે.
સંતરામપુર એસ.ટી.બસ સ્ટેશનમાં સફાઈનો અભાવ જોવા મળતા ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની બસ સ્ટેશનમાં અવર જવર થતી હોય છે. બસ સ્ટેશનમાં આવેલુ જાહેર શોૈચાલયમાં પણ સફાઈનો અભાવ જોવા મળતા દુર્ગંધ આવતી હોય છે. સોસ ખાડા ઉભરાતા ચારે બાજુ ગંદકી ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.
મુસાફરો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાં ડેપો મેનેજર દ્વારા સફાઈ સહિતનુ નિરાકરણ કરવામાં આવતુ નથી. છ માસ અગાઉ મંત્ર દ્વારા શરૂ કરાયેલ સફાઈ ઝુંબેશમાં સ્ટાફ અને જાહેર જનતાને એસ.ટી.બસ ડેપોની સ્વચ્છ રાખવા માટેની સુચના આપેલ હતી પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધીની જેમ જાહેરમાં કચરાના ઢગલાઓ અને સોસ ખાડામાંથી ગંદુ પાણી ઉભરાતુ અને બહાર નીકળતુ જોવા મળે છે. એસ.ટી.વિભાગ દ્વારા બસ મથકની સાફ સફાઈ કરવવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ ઉઠવા પામી છે.