પપૈયા પાક પરિસંવાદ : કપડવંજના ભોજાના મુવાડા ખાતે પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયા પાકની તાલીમ શિબિર યોજાઈ

કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામ ખાતે ગ્રો મોર ફ્રુટ ક્રોપ અંતર્ગત પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયા પાકની ખેડૂત તાલીમ શિબિર યોજાઈ. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયાની ખેતી, ફળ પાકમાં પ્રોસેસિંગ અને વેલ્યુ એડીશન, બાગાયત સહાયલક્ષી યોજનાઓના લાભ, ખેતીમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)નું મહત્વ સહિતની બાબતો પર જાણકારી આપવામાં આવી હતી અને ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો નું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંયુક્ત બાગાયત નિયામક, વડોદરા, ડો.જે.એમ.તુવારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ વિશે માહિતગાર કરી સામૂહિક ખેતી કરવા તરફ પ્રયાણ કરવા આહવાન કર્યું હતું.,

નાયબ બાગાયત નિયામક ખેડા-નડિયાદ ડો.સ્મિતાબેન પિલ્લાઈએ ખેડૂતોને ફક્ત ફળપાક વાવેતર સુધી સીમિત ન રહીને પાકનું પ્રોસેસિંગ અને વેલ્યુ એડીશન શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને બાગાયત સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી ખેડૂતોને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અંતર્ગત મળવાપાત્ર લાભ વિશે જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ નિખિલ ત્રિવેદીએ પપૈયા પાકમાં રોગ જીવાત નિયંત્રણ માટેના ઉપાયો અંગે જાણકારી આપી હતી. સાથે જ તાલીમમાં હાજર ખેડૂતોએ તેમના પ્રાકૃતિક ખેતીના અનુભવો રજૂ કર્યા હતા. વધુમાં, ખેડૂતોને રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. તથા પપૈયાનું વાવેતર કરેલ ખેતરનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે સંયુક્ત બાગાયત નિયામક, વડોદરા, ડો. જે.એમ.તુવાર, નાયબ બાગાયત નિયામક ખેડા-નડિયાદ ડો. સ્મિતાબેન પિલ્લાઈ, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ નિખિલ ત્રિવેદી, આસી. પ્રોફેસર , દીપક પરેડવા, કપડવંજ આરએફઓ વિનલ પટેલ, અગ્રણી ચીમન પટેલ, અગ્રણી વિઠ્ઠલ પટેલ, મદદનીશ બાગાયત નિયામક જૈમિન પટેલ, હિતેશ સવાણી, બાગાયત અધિકારી હરેશભાઇ સહિત બાગાયત કચેરીનો તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.