ફતેપુરાના માનાવાળ બોરીદા ગામે 32 વર્ષીય યુવાનની ગળું કાપી હત્યા : આરોપીને ગણતરીના કલાકોમાંં ઝડપ્યો

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાં માનવ હત્યા કરવી એક સામાન્ય બાબત બની ચૂકી હોય તેમ ગતરોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં માનાવાળા બોરીદા ગામના 32 વર્ષીય રોડ ઉપરથી પસાર થતાં યુવાનને માનાવાળા બોરીદા ગામના જ એક ઈસમે ઝપાઝપી, મારામારી કરી જમીન ઉપર પાડી દઈ ગળુ દબાવી રાખતા યુવાનનું મોત નીપજતા હત્યારો સ્થળ ઉપર થી ફરાર થઈ જતા સુખસર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે. ત્રણ બહેનોના એકના એક ભાઈનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.

ફતેપુરાના માનાવાળા બોરીદા ખાતે રહેતા સુરેશભાઈ ચોખલાભાઈ મછાર ઉંમર વર્ષ આશરે 32 નાઓ ખેતીવાડી તથા છૂટકામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જેઓને સંતાનમાં બે પુત્ર તથા ત્રણ પુત્રીઓ છે. જેઓ ગત રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં કુટુંબી ધર્મેન્દ્રભાઈ સાથે કાળીયા ગામે કોઈક કામ અર્થે જઈ પરત ઘરે આવી રહ્યા હતા. તેવા સમયે કાળીયા ગામના દલસિંગભાઈ લાલાભાઇ મછાર કોઈક કામ અર્થે માનાવાળા બોરીદા ગામે આવતા હોય મોટરસાયકલ ઉપર બેસાડી માનાવાળા બોરીદાના ધનાભાઈ મછારના ઘર પાસે આ મોટરસાયકલ ઉભી રાખેલ.

તેવા જ સમયે રાજુભાઈ નારસિંગભાઈ મછાર સુરેશભાઈ પાસે આવી જણાવેલ કે, મને મોટરસાયકલ આપ મારે કામ છે,હું જઈને આવું છું તેમ જણાવતા સુરેશભાઈ મછારે જણાવેલ કે તું દારૂ પીધેલો છે માટે હું મોટરસાયકલ નહીં આપું.તેમ જણાવતા રાજુ મછાર એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને સુરેશભાઈ તથા સાથેના ધર્મેન્દ્રભાઈ સાથે ઝપાઝપી મારામારી કરવા લાગેલ.અને સુરેશભાઈ મછારને મારામારી કરી જમીન ઉપર પાડી દઈ શરીર ઉપર બેસી જઇ સુરેશભાઈનું ગળુ દબાવી રાખતા ધર્મેન્દ્રએ છોડાવવા વચ્ચે પડતા ધર્મેન્દ્રને રાજુએ લાત મારી ખસેડી દીધેલ.

જ્યારે રાજુએ સુરેશને ગળુ દબાવી રાખતા મોઢે ફીણ આવતા અને શરીર ઠંડુ પડી જતા આરોપી રાજુ મછાર ત્યાંથી ભાગી છુટ્યો હતો. જેની જાણ સુખસર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે મૃતક સુરેશભાઈની લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી હતી. ત્યારબાદ સુખસર પોલીસ હત્યારાને ઝડપી પાડવા સક્રિય થતા આરોપી તેની સાસરી સંતરામપુર તાલુકાના ઘાટીયા ગામે હોવાની બાતમી મળતા પોલીસ તાત્કાલિક ઘાટીયા ગામે જઈ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને સુખસર પોલીસ સ્ટેશન ખાતે લાવી મૃતક યુવાનની હત્યા બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરી લાશને પી.એમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.