સુપ્રિમ કોર્ટના જજોની બેન્ચ દ્વારા એસ.ટી., એસ.સી. આરક્ષણમાં ક્રિમીનરલ સબક્લાસીફિકિશનના ચુદાદાનો આદિવાસી સમાજના લોકોન દ્વારા ભારે વિરોધ બાદ આજરોજ 21મી ઓગષ્ટના રોજ ભારત બંધના એલાનને પગલે દાહોદ શહેર સહિત જીલ્લામાં આ બંધને સમર્થન પ્રાપ્ત થયું હતું. જેમાં દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા ગરબાડા વિગેરે જેવા વિસ્તારોમાં વેપાર, ધંધા સજ્જડ બંધ રહ્યાં હતાં. સમગ્ર દાહોદ જીલ્લા એસટી, એસસી, ઓબીસી પરિવાર દ્વારા દાહોદ શહેરમાં હાથમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢી ભારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શનમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ જોડાયાં હતાં.
એસસી, એસટી ક્રિમિલીયર સબક્લાસીફિકશનના ચુકાદાનું ભારતના આ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાંવવામાં આવી રહ્યો છે. ત્યારે તેના સમર્થનમાં ગુજરાતના આબુથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આગેવાનો, સામાજીક કાર્યકર્તઓ અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા તારીખ 18મી ઓગષ્ટના રોજ વડોદરા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ તારીખ 21મી ઓગષ્ટના રોજ આ વિરોધને સમર્થન મળતાં દાહોદ, પંચમહાલ, મહીસાગર વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું આહ્વાન તેમજ સમર્થ જાહેર કર્યુ હતું. જેમાં પંચમહાલ, દાહોદની જનતા જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.
ત્યારે આજરોજ આ બંધના સમર્થનમાં દાહોદ જીલ્લાના દાહોદ શહેર, ઝાલોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા, ગરબાડા જેવા વિસ્તારોમાં વેપાર, ધંધા વેપારીઓએ સજ્જડ બંધ રાખી સમર્થન પુરૂ પાડ્યું હતું. વહેલી સવારથીજ બજારો સુમસામ ભાસી રહ્યાં હતાં. સમગ્ર દાહોદ જીલ્લા એસટી, એસસી, ઓબીસી પરિવાર દ્વારા આ મામલે ભારે વિરોધ નોંધાવી દાહોદ શહેરમાં હાથમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢી હતી. આ રેલીમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ જોડાયાં હતાં. રેલી દાહોદ શહેરના વિવિધ માર્ગો પર ફરી દાહોદ શહેરમાં આવેલ બિરસા મુંડા સર્કલ પર પહોંચી હતી. જ્યાં આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલ, હાર અર્પણ કરવામાં આવ્યાં હતાં જ્યાં ભારે સુત્રોચ્ચારો કરી જણાવ્યું હતું કે, હમ હમારા હક્ક માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે.. ના નારા લગાવવામાં આવ્યાં હતાં. આજરોજ આ વિરોધ પ્રદર્શન દરમ્યાન દાહોદ શહેર સહિત જીલ્લામાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
દેશના એસટી, એસસી, ઓબીસીના લોકો ખુબ આક્રોશીત છે. આ ભાજપની સરકારે સુપ્રિમ કોર્ટના માધ્યમથી આરક્ષણ જે અમોને બંધારણમાં મળ્યું છે. બાબા સાહેબ આંબેડકર, ગાંધીબાપુ એ બધાએ આપ્યું છે એની છેડછાડ કરવા માટે ભાજપ દ્વારા સુપ્રિમ કોર્ટ મારફતે પગલુ ભર્યુ છે. આરક્ષણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો હોય તે લોકસભામાં જ થઈ શકે, એ કોઈ કોર્ટ તરફી પણ ના થાય અને સરકાર તરફી પણ ના થાય, અમે આભાર માનીયે છીએ, દાહોદના વેપારીઓએ મોટાથી લઈ નાના વેપારીઓ પણ અમોને સાથ સહકાર આપી બંધને સમર્થન આપ્યો છે. જેનો અમો ખુબ આભાર માનીએ છીએ. :- પ્રભાબેન તાવીયાડ (પૂર્વ સાંસદ – કોંગ્રેસ, દાહોદ)
સુપ્રિમ કોર્ટ દ્વારા એસટી અને એસસી વિરૂધ્ધ જે એક્ટ જાહેર કર્યો છે, તે તદ્દન ખોટો છે. તેને અમો એસટી, એસટી, ઓબીસી સમાજ વખોડીએ છીએ. ભારત સરકાર પાછલે બારણે સુપ્રિમને આદેશ કરીને આવો ખોટો નિર્ણય લીધો છે, જેના વિરોધમાં ભારત બંધનું એલાન કર્યુ છે. દાહોદના વેપારી મિત્રોએ અમોને સાથ સહકાર આપ્યો છે, અમારા આદિવાસી સમાજમાં અને એસટી સમાજમાં જે ભાગલા પાડવાનું કામ કર્યુ છે. સરકારને જેમાં અમો સફળ થવા દઈશું નહીં, આવનાર દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલન પણ કરીશું. દાહોદના તમામ વેપારીઓએ અમોને સાથ સહકાર આપ્યો જેનો આભાર માનીયએ છીએ, તમામ સમાજના લોકો તેમજ પોલીસ પ્રશાસનનો પણ અમો આભાર માનીએ છીએ.:- હર્ષદ નિનામા (દાહોદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ)