સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરી દીધો છે જેમાં તેણે કિશોરીઓને તેમની જાતીય ઈચ્છા પર નિયંત્રણ રાખવાની સલાહ આપી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં વાંધો ઉઠાવ્યો હતો અને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે સગીર સાથે બળાત્કારના દોષિત આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો, જ્યારે નીચલી અદાલતે તેને સજા સંભળાવી હતી.
સગીર સાથે બળાત્કારના કેસમાં, કલકત્તા હાઇકોર્ટે ૧૮ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજના તેના આદેશમાં કહ્યું હતું કે કિશોરાવસ્થાની છોકરીઓએ ‘યૌન ઇચ્છાઓ નિયંત્રિત કરવી’ જોઈએ. કોર્ટે કહ્યું કે ‘જ્યારે તેઓ બે મિનિટ આનંદ માટે આ કરે છે, ત્યારે તેઓ સમાજની નજરમાં હારેલા સાબિત થાય છે.’ હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપી અને પીડિતા વચ્ચેનો સંબંધ સહમતિથી હતો.
હાઈકોર્ટે આરોપીને સગીર સાથે શારીરિક સંબંધ રાખવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં એક છોકરાએ સગીર છોકરી સાથે શારીરિક સંબંધો બાંયા હતા. જ્યારે આ સંબંધ બન્યો ત્યારે છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. બાદમાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. સપ્ટેમ્બર ૨૦૨૨ માં, જિલ્લાની એક સેશન્સ કોર્ટે છોકરાને સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દોષી ઠેરવ્યો અને તેને સજા ફટકારી. આ પછી મામલો કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો.
જસ્ટિસ ચિત્તરંજન દાસ અને પાર્થસારથી સેનની બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે બંને સગીરોએ સહમતિથી સેક્સ કર્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે ‘આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે માત્ર એક છોકરી જ દુર્વ્યવહારનો ભોગ બને છે, કારણ કે છોકરાઓ પણ દુર્વ્યવહારનો ભોગ બને છે. સ્વચ્છતા એ દરેક શાળાના અભ્યાસક્રમનો એક ભાગ હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ જેજે એક્ટ હેઠળ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને મોકલવો જોઈએ. કોર્ટે કહ્યું કે જો આવા મામલાઓને લઈને અગાઉ કેટલીક માર્ગદશકા જારી કરવામાં આવી હોય તો ચુકાદો કેવી રીતે લખવો જોઈએ. ત્રણ સભ્યોની નિષ્ણાત સમિતિ પણ બનાવવામાં આવી છે જે સજાના સમયગાળા પર પણ વિચાર કરશે. કોર્ટે કહ્યું કે તેણે જેજે એક્ટની કલમ ૧૯ (૬) લાગુ કરવા માટે તમામ રાજ્યોને માર્ગદશકા પણ જારી કરી છે.