ભારતીય ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક યુવરાજ સિંહના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. યુવરાજ સિંહે પોતાની બાયોપિકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ એક પોસ્ટ દ્વારા આ વાત કન્ફર્મ કરી છે. ભારતના ટી ૨૦ વર્લ્ડ કપ અને વનડે વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર યુવરાજની સફર ખૂબ જ શાનદાર રહી. તે કેન્સર સામે લડ્યા બાદ મેદાનમાં પાછો ફર્યો, જે દરેકને પ્રેરણા આપે છે.
૨૦૦૭ના ટી ૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ૬ છગ્ગા મારવાનું પરાક્રમ હોય કે પછી ૨૦૧૧ના આઇસીસી વનડે વર્લ્ડ કપમાં મેચને ભારત તરફ વાળવાનું હોય. યુવરાજ સિંહે બેટ અને બોલ સિવાય ફીલ્ડિંગમાં પણ એવી છાપ છોડી કે જેને યુવાનો આજે પણ તેને ફોલો કરે છે. આ મહાન ક્રિકેટરના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપતા યુવરાજ સિંહે ફિલ્મ મેકરનો આભાર માન્યો છે.
યુવરાજ સિંહની બાયોપિક ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા પ્રોડ્યૂસ કરવાના છે. આ ફિલ્મમાં યુવીના પાત્રને સ્ક્રીન પર જીવંત કરવામાં આવશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બોલિવૂડના ઉભરતા કલાકાર સિદ્ધાંત ચતુર્વેદીએ યુવરાજ સિંહની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવરાજ સિંહના પાત્રને સ્ક્રીન પર જીવંત કરવા માટે રણવીર કપૂર પણ સારો વિકલ્પ બની શકે છે. આ પહેલા તેણે બોલિવૂડ એક્ટર સંજય દત્તનું પાત્ર ભજવ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ ’એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. સુશાંતે પડદા પર ધોનીનું પાત્ર એવી રીતે ભજવ્યું કે, લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ ધોની જેવો જ સમજવા લાગ્યા.