અમેરિકાના ટેક્સાસમાં સ્થાપિત ભગવાન હનુમાનની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં રવિવારે ભગવાન હનુમાનની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમાને પણ પવિત્ર કરવામાં આવી હતી. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. ભગવાન રામ અને માતા સીતાના પુન: જોડાણમાં ભગવાન હનુમાનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ પ્રતિમાને ’સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. હનુમાનજીની પ્રતિમા બનાવવા અને મંદિરમાં સ્થાપિત કરવા પાછળ ચિન્નાજીયાર સ્વામીજીની દૂરંદેશી હતી. સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા યુનાઈટેડ સ્ટેટ્સની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે.

વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આયાત્મિક્તાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે. યુએસ સ્થિત હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું કે ’ભગવાન હનુમાન ભગવાન રામની સેવા દરમિયાન ઘણી અજોડ ક્ષમતાઓ દર્શાવે છે, જેમાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિનો સમાવેશ થાય છે. બંને વચ્ચેની મિત્રતા ખૂબ જ ઊંડી છે અને ભગવાન હનુમાનને ભગવાન રામ પ્રત્યે ઊંડી ભક્તિ છે.