અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે ઈઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. તેણે હમાસને તેનો સ્વીકાર કરવા પણ હાકલ કરી હતી. બ્લિંકને કહ્યું કે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે અઢી કલાકની મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી. તેમણે બંને પક્ષોને પ્રસ્તાવના આધારે સમજૂતી પર પહોંચવા વિનંતી કરી. જોકે, બ્લિંકને બ્રિજિંગ પ્રસ્તાવ પર નેતન્યાહુના વલણની સ્પષ્ટતા કરી નથી. જેમાં ઈઝરાયેલે ગાઝાની અંદર બે વ્યૂહાત્મક કોરિડોર પર નિયંત્રણની માંગ કરી છે. હમાસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચેના અન્ય કાંટાળા મુદ્દાઓ વચ્ચે આ મુદ્દો ગંભીર છે. આ કારણે ઘણી શાંતિ મંત્રણા ખોરવાઈ ગઈ છે.
બ્લિંકને મીડિયાને કહ્યું, હવે અમે હમાસ તરફથી પ્રસ્તાવની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. બ્લિંકને અગાઉ કહ્યું હતું કે હવે ગાઝા સંઘર્ષનો અંત લાવવાનો સમય આવી ગયો છે. આ પ્રસ્તાવના આધારે થયેલ સમજૂતી હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને પરત લાવશે. આનાથી ગાઝામાં ૧૦ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા વિનાશક યુદ્ધમાંથી પેલેસ્ટિનિયનોને રાહત મળશે.
ગયા અઠવાડિયે ક્તારમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ. પરંતુ હવે આ અમેરિકન પ્રસ્તાવના આધારે આ અઠવાડિયે ફરી વાટાઘાટો શરૂ થવાની ધારણા છે. બ્લિંકને કહ્યું કે ઈઝરાયલે આ કરાર સ્વીકારી લીધો છે. હવે શાંતિ હમાસ પર નિર્ભર છે. તમામ પક્ષોએ અમેરિકા, ઈજીપ્ત અને ક્તારની મદદથી એક્સાથે આવવું પડશે. તેઓએ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી અને પ્રતિબદ્ધતાઓને કેવી રીતે લાગુ કરવી તેની સમજ વિક્સાવવાની જરૂર છે.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરતાં પહેલાં બ્લિંકને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે મુલાકાત કરી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, હરઝોગે બ્લિંકન સાથેની તેમની બેઠક દરમિયાન વાટાઘાટોની નિષ્ફળતા માટે હમાસને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે ઈરાનની ધમકીઓ વચ્ચે પ્રદેશમાં સત્તા સંતુલિત કરવાના પ્રયાસો માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો આભાર માન્યો હતો. મયસ્થી તરીકેની ભૂમિકા બદલ અમેરિકા, ઇજિપ્ત અને ક્તારનો આભાર વ્યક્ત કરતાં તેમણે વાટાઘાટોની સફળતાની આશા વ્યક્ત કરી હતી. અગાઉ, બ્લિંકને પત્રકારોને જણાવ્યું હતું કે, આ એક નિર્ણાયક ક્ષણ છે… સંભવત: શ્રેષ્ઠ છે. કદાચ બંધકોને ઘરે લાવવાની, યુદ્ધવિરામ લાવવાની અને દરેકને સ્થાયી શાંતિ અને સલામતીના વધુ સારા માર્ગ પર મૂકવાની છેલ્લી તક. તમને જણાવી દઈએ કે અમેરિકન પ્રસ્તાવના આધારે આ અઠવાડિયે ઈજિપ્તમાં ફરી વાતચીત શરૂ થઈ શકે છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અંગે યુએસની આગેવાની હેઠળની વાતચીત મહિનાઓથી ચાલી રહી છે, પરંતુ બંને પક્ષો તેમની માંગ પર અડગ છે. ઈઝરાયેલનું કહેવું છે કે હમાસને ખતમ કરવાથી જ યુદ્ધનો અંત આવી શકે છે. બીજી તરફ હમાસનું કહેવું છે કે તે કાયમી યુદ્ધવિરામને જ સ્વીકારશે.
ઇઝરાયેલની મુલાકાતે ગયેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે ’૭ ઓક્ટોબરથી આ પ્રદેશની આ તેમની નવમી મુલાકાત છે. અમે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. એપ્રિલમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અમે પણ ઈઝરાયેલને મદદ કરી હતી. તાજેતરના અઠવાડિયામાં તણાવ ખૂબ વધી ગયો છે. તેથી અમે વધારાના દળો તૈનાત કર્યા છે. આ જમાવટનો હેતુ ઉશ્કેરવાનો નથી પરંતુ હલાકને સંભાળવાના હેતુ માટે છે. અમે સુનિશ્ર્ચિત કરીશું કે પરિસ્થિતિ વધુ બગડે નહીં. જો કે અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે ઇઝરાયેલની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.