જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ચૂંટણી પંચે પંજાબ પ્રાંતમાં ચૂંટણી વિવાદોના સમાધાન માટે લાહોર હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ચૂંટણી ટ્રિબ્યુનલને બદલવાનો પ્રયાસ કર્યો. આ સંપૂર્ણપણે ખોટું છે. પાર્ટીના નેતા સલમાન અકરમ રાજાએ કહ્યું કે પંજાબમાં નિયુક્ત ચૂંટણી ટ્રિબ્યુનલ્સને કામ કરવાની મંજૂરી નથી. જ્યારે અન્ય પ્રાંતોમાં ચૂંટણી પંચ મુખ્ય ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલી યાદી મુજબ કામ કરે છે.
ચૂંટણી પંચ પર આરોપ લગાવતા રાજાએ કહ્યું કે, પાકિસ્તાનના લોકો ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીને ભૂલી શક્તા નથી. તેમાં સૌથી વધુ છેડછાડ કરવામાં આવી હતી. તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને જનાદેશ ચોર ગણાવ્યા.
રાજાએ કહ્યું કે સરકારને પંજાબમાં સૌથી વધુ ડર લાગે છે. જો એલએચસીના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિયુક્ત ટ્રિબ્યુનલ વિવાદોની સુનાવણી કરશે તો ઘણા ખુલાસા થશે. તેમણે કહ્યું કે જે કોઈ સંસ્થાઓ અને લોકો વચ્ચે ભેદ ઉભો કરે છે તે પાકિસ્તાનનો દુશ્મન છે. પીટીઆઈના નેતા મેહર બાનો કુરેશીએ કહ્યું કે લોકશાહીની તાકાત મહિલાઓના પ્રતિનિધિત્વમાં રહેલી છે. દુ:ખની વાત એ છે કે સંસદમાં માત્ર ત્રણ મહિલા નેતાઓ જ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.
વાસ્તવમાં રાજાએ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પંજાબમાં ચૂંટણી ટ્રિબ્યુનલને કાર્યરત કરવા માટે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. ૪ જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે એલએચસીના નિર્ણય અને પંજાબમાં આઠ ચૂંટણી ટ્રિબ્યુનલની નિમણૂક અંગેની તેની સૂચનાને સ્થગિત કરી દીધી હતી. હવે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની પાંચ સભ્યોની બેંચ એલએચસીના નિર્ણય પર સુનાવણી કરશે. તે ચૂંટણી પંચની અપીલ પર પણ વિચાર કરશે.
પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, નવાઝ શરીફની આગેવાની હેઠળ પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટોની પીપીપીએ વ્યક્તિગત રીતે ૯૨ બેઠકો જીતી હતી, જે ઈમરાન ખાનની પીટીઆઈ કરતા ઓછી હતી. બંને પક્ષોએ અન્ય ચાર નાના પક્ષો સાથે જોડાણ કર્યું. આ કારણે ખાનની પાર્ટીને સરકાર બનાવવાની તક મળી નથી.