રાજ્યની જેલોમાં સર્જાયા ભાવુક દ્રશ્યો, બહેનોએ કેદીઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી

ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ રહેલું છે. આ તહેવાર ભાઈ- બહેનોના પ્રેમનું પ્રતિક છે. ત્યારે આજે (૧૯મી ઑગસ્ટ) રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. તો બીજી તરફ અમદાવાદની સાબરમતી મયસ્થ જેલ, સુરત લાજપોર મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં ભાઈ બેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બહેનોએ કેદીઓને રાખડી બાંધીતા જેલોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેલમાં બંદીવાન કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

સુરત લાજપોર મધ્યસ્થ જેલની અંદર યોજાયેલી રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન ખૂબ જ લાગણીસભર અને હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ જ્યારે ભાઈને રાખડી બાંધી ત્યારે ભાઈ અને બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તો બીજી તરફ આ દ્રશ્ય જોઈને તેમ હાજર પોલીસ બહેનો પણ રડી પડી હતી.

વર્ષ ૨૦૨૩માં સુરતની લાજપોર મધ્યસ્થ જેલ દ્વારા સરકાર પાસેથી વિશેષ પરવાનગી મેળવી પ્રથમ વખત જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં મળી રક્ષાબંધનની પર્વની ઉજવણી ભાઈ બહેન કરી શકે તે પ્રકારનું આયોજન ગોઠવ્યું હતું. એવા જ પ્રકારનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. જેમાં કાચા-પાકા કામના જેલમાં બંધ બંદીવાનોની બહેન દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોતાના બંદીવાન ભાઈને મળીને તેની કલાઈ પર બહેન જેલની અંદર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.

જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેલના બંદીવાન ભાઈઓ, કે જેઓ પણ પોતે રક્ષાબંધનનું પર્વ મનાવી શકે તે માટેની જેલ પરિસરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેલના બંદીવાન ભાઈઓ કે જેના પરિવારના બહેનોને રક્ષાબંધનના પર્વ પર જેલ પરિસરમાં પ્રવેશ અપાયો હતો. તમામ બંદીવાન ભાઈઓની બહેનોએ પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી અને જલ્દીથી જેલ મુક્તિ મળે તેવી કામનાઓ કરી હતી.

રાજકોટ મધ્યસ્થ જેલમાં બહેનો વહેલી સવારથી જ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાધવા પહોંચી હતી. જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચૌધાર આંસુએ રડી પડી હતી. કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવી વહાલ વરસાવ્યું હતુ.

વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. જ્યાં જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે વહેલી સવારથી બહેનો જેલ ખાતે આવી પહોંચી હતી. જેલમાં સજા કાપી રહેલ પોતાના વ્હાલસોયા ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી. આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ૧૫૦૦ ઉપરના કેદી ઓને તેમની બહેનો એ બાંધી હતી. કર્મ સંજોગે જેલમાં આવેલા ભાઈની કલાઈ પર રાખડી બાંધતી વખતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં.