અમેરિકામાં ડિંગુચા પરિવાર સાથે થયેલી ઘટના બાદ પણ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણે બંધ થવાનું નામ નથી લઇ રહી. વિદેશ જવાની લાલચમાં ગેરકાયદેસર રીતનો ઉપયોગ કરવામાં જાણે લોકોને ડર જ રહ્યો નથી. ફરી એકવાર નકલી પાસપોર્ટથી યુએસ જતા ચાર ગુજરાતી મુંબઇથી ઝડપાયા છે.
ગેરકાયદેસર રીતે વિદેશ જઇ રહેલા બે મહિલા, એક વરિષ્ઠ નાગરિક, એક તરુણ સહિત ચાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. તાંઝાનિયામાં ચારની પૂછપરછ બાદ નકલી પાસપોર્ટનો ઘટસ્ફોટ થયો છે. ચારમાંથી ત્રણની પાસેથી બે-બે પાસપોર્ટ મળી આવ્યા છે. ગીતા ચૌધરી, ભારતી ચૌધરી, અંશ ચૌધરી પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યા છે. આરોપીઓ અસલી પાસપોર્ટ પર તાંઝાનિયા પહોંચ્યા હતા. જે પછી આરોપીઓનો તાંઝાનિયાથી નકલી પાસપોર્ટ પર યુએસ જવાનો કારસો હતો.
રમેશ ઠાકોર નામનો શખ્સ હેન્ડલર તરીકે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પકડાયેલા ચારેયને તાંઝાનિયાથી મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈ ડિપોર્ટ થયા બાદ ચારેયની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે.