ગોધરા તાલુકાના ચિખોદરા ગામના સરપંચને બે ઈસમો દ્વારા આંતરીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી, સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે, તો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના ચિખોદરા ગામે આવેલી મરિયમ મસ્જિદ પાછળ રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા સીરાજ યુસુફ જાતે દોલતી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 16 ઓગષ્ટ બપોરે દોઢ કલાકે તેઓ ઘરેથી બાઈક લઈને વણાકપુર ખાતે ફાર્મ ઉપર જવા નીકળ્યા હતા, ત્યારે ગોધરા નજીક કોઠી સ્ટીલ પાસે આવેલી ગાજી હોટલ નજીક તેઓના ગામના જ ફુજેલ હનીફ ખંડુ તથા ઉસ્માન હનીફ ખંડુ નામના ઈસમો બાઈક લઈને આવ્યા હતા, જે બાદ બંને ઈસમોએ સિરાજ દોલતીને આંતરીને કહેવા લાગ્યા હતા કે ,કેમ તમે મારા શેઠ સુલ્તાન અબ્દુલા મલાનેઅવારનવાર હેરાન કરો છે, તેઓની કેમ ખોટી ખોટી વાતો કરો છો, તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી અપશબ્દો બોલવાની ના પાડતા બંને ઈસમો ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરવા લાગ્યા હતા,જે બાદ જણાવ્યું હતું કે આજ પછી જો સુલ્તાન અબ્દુલા મલાની કોઇ પણ ખોટી વાતો કરી છે.
તો તમને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપીને જતાં રહ્યા હતા, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે, જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તા 19 ઓગસ્ટ સોમવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સિરાજ યુસુફ દોલતીએ પ્રતિક્રિયા આપી હતી.