આઇપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે બબાલ: પ્રીતી ઝિન્ટાની કોર્ટમાં ઘા

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. એવા સમાચાર છે કે ટીમ ગ્રુપ્સમાં વહેંચાઈ ગઈ છે. આની સાથે માલિકો વચ્ચેના પરસ્પર મતભેદો પણ સામે આવ્યા છે. આ લડાઈ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે પંજાબ કિંગ્સના ચાર માલિકોમાંથી એક પ્રીતિ ઝિન્ટાએ અન્ય પ્રમોટર સામે પ્રતિબંધના આદેશની માંગ કરી છે. પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીમાં ૨૩ ટકા હિસ્સો ધરાવે છે.

ચંદીગઢ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અપીલ અનુસાર, તે સહ-માલિક મોહિત બર્મનને ટીમમાં તેના શેરનો એક ભાગ અન્ય કોઈ પક્ષને વેચતા અટકાવવા માંગે છે. મોહિત બર્મન કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડમાં ૪૮ ટકા સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. નેસ વાડિયા પ્રમોટર જૂથમાં ત્રીજા માલિક છે, જેઓ ૨૩ ટકા શેર ધરાવે છે, જ્યારે બાકીના શેર ચોથા માલિક કરણ પોલ પાસે છે. ડાબર કંપની સાથે સંકળાયેલા ૫૬ વર્ષીય મોહિત બર્મને શુક્રવારે ક્રિકબઝને જણાવ્યું કે, ’મારા શેર વેચવાની મારી કોઈ યોજના નથી.’ જોકે, મીડિયા અહેવાલો પ્રમાણે બર્મન તેનો ૧૧.૫ ટકા હિસ્સો કોઈ અજ્ઞાત પક્ષને વેચવા માગે છે.

બર્મન બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંના એક છે. તેમણે આબટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ-૧૯૯૬ની કલમ ૯ હેઠળ વચગાળાના પગલાં અને દિશાનિર્દેશોની માંગ કરતી અરજી દાખલ કરી છે.