અમદાવાદ,
પ્રેમમાં પાગલ યુવકે નાસીપાસ થતાં બોગસ મેઇલ આઈડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. યુવતીને બદનામ કરવાનું કાવતરું ઘડી દેશની સુરક્ષા એજન્સીને ધમકી આપનારા યુવકની ગુજરાત એટીએસએ યુપીથી ધરપકડ કરી છે, ત્યારે દેશની તમામ એજન્સીની ઊંઘ હરામ કરનાર આરોપીની તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવું મહત્વનું છે.
ગુજરાત એટીએસના ગિરફતમાં આવેલા અમન સક્સેનાએ કરેલા ઈમેલથી દેશભરની એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. કારણ કે પીજી પોર્ટલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટેનો એક ઇમેઇલ કર્યો હતો. જે ઇ-મેઈલમાં લખ્યું હતું કે, ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા ખાતે વડાપ્રધાન કાર્યક્રમ દરમિયાન પીએમની હત્યા, તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં બ્લાસ્ટ કરવાની યોજના તાન્યા નામની યુવતી કરી રહી છે. જે નવી દિલ્હીમાં વકીલાત કરે છે અને તે પટનાની છે, સાથે જ એક યુવક બદાયુનો છે. ત્યાં એક ગેંગ છે જેની ફેસબુક પ્રોફાઈલ સાથેનો ઈમેલ કર્યો હતો. જેને લઈને ગુજરાત એટીએસએ ઇ-મેઈલ આઇડીનું આઇપી એડ્રેસ તથા લોકેશન ટ્રેસ કરીને યુપીના બદાયુમાંથી અમન સક્સેનાની ધરપકડ કરી છે.
પકડાયેલા અમન સક્સેનાની પૂછપરછ કરતા સામે આવ્યું કે, અમન સક્સેનાએ શુભમ રાજકુમાર નામની ખોટી ડિજીટલ ઓળખ ધારણ કરી પોર્ટલ પર ખોટી અરજી કરતો હતો અને એણે પોતે જ પીએમને મારી નાખવાની યોજના તેમજ કેન્દ્રીય સચિવાયલ તથા ચૂંટણીમાં બ્લાસ્ટ કરવાની યોજના કરી હોવાનો ઇમેઇલ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં ૧૩ જેટલી ખોટી અરજીઓ અને રજૂઆતો કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમન તાન્યા નામની યુવતીને પ્રેમ કરતો હતો. પરંતુ તાન્યાએ પ્રેમનો ઇનકાર કર્યો હોવાથી અમનએ તાન્યાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં અમન પર કોઈ શંકા ન કરે અને તાન્યા અમન સાથે વાતચીત કરે તેવો એક પ્લાન બનાવ્યો હતો. જેમાં તાન્યાનો મિત્ર શુભમનું ખોટું ઇમેઇલ આઈડી અમનએ બનાવ્યું અને અમન પોતાનું નામ અને તાન્યાનું નામ લખી ધમકીવાળો ઈમેઈલ કરતો હતો. જેથી તાન્યા શુભમ સાથે બોલે નહીં અને ફરી અમન સાથે તાન્યા વાતચીત કરે.
આરોપી અમન ૨૯ સપ્ટેમ્બરથી ૨૫ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં ધમકી ભરેલી અરજી અને ઇમેઇલ કરી ચૂક્યો છે. આરોપી અમન મુંબઈમાં આઈઆઈટીમાં એન્જિનિયરનો અભ્યાસ કરી યુપીમાં ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. જ્યારે યુવતી તાન્યા અને શુભમ દિલ્હીમાં વકીલાતનો અભ્યાસ કરે છે. અમનએ તાન્યાની નજરમાં સારો વ્યક્તિ બનવા આ આખું કાવતરું ઘડ્યું હતું અને અંતે અમન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. ગુજરાત એટીએસએ અમનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.