સાઉથના સુપરસ્ટાર મોહનલાલને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારે તાવ, શ્ર્વાસ લેવામાં તકલીફ અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોચી હોસ્પિટલના ડૉ. ગિરીશ કુમાર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, અભિનેતાને વાયરલ શ્ર્વસન ચેપથી પીડિત હોવાની આશંકા છે. આ સમાચાર બાદ તેમના ચાહકોમાં હલચલ મચી ગઈ છે અને તેઓ અભિનેતા મોહનલાલના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ડોક્ટરે મોહનલાલને પાંચ દિવસ સુધી જાહેર સ્થળોએ ન જવાની સલાહ પણ આપી છે.
હોસ્પિટલના સત્તાવાર નિવેદન બાદ દક્ષિણના પ્રખ્યાત ફિલ્મ લેખક અને કટાર લેખક શ્રીધર પિલ્લઈએ પણ સુપરસ્ટાર મોહનલાલને હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. તેણે કોચીની અમૃતા હોસ્પિટલનું મેડિકલ બુલેટિન પણ શેર કર્યું અને અભિનેતાના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે ડોક્ટરોએ સુપરસ્ટાર મોહનલાલને ૫ દિવસ સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ લેવાની સલાહ આપી છે.
અમૃતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે જણાવ્યું છે કે ૬૪ વર્ષીય મોહનલાલને ૧૬ ઓગસ્ટે તાવ અને શ્ર્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ૫ દિવસ આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. મોહનલાલ હાલમાં જ ગુજરાતથી પરત ફર્યા છે. તે ત્યાં તેની આગામી ફિલ્મ નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ઉપરાંત તેની ડિરેક્શનની ડેબ્યૂ ફિલ્મ ’બરોઝ’નું પોસ્ટ પ્રેોડક્શન વર્ક પણ થઈ ચૂક્યું છે. અભિનેતાની અચાનક ખરાબ તબિયતના સમાચાર સાંભળીને તેના ચાહકો પણ ચિંતિત થઈ ગયા છે. સત્તાવાર માહિતી અનુસાર, અભિનેતાની તબિયત તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે બગડી ગઈ છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સાઉથના પીઢ અભિનેતા મોહનલાલ ટૂંક સમયમાં જ ફિલ્મ ’બરોજ’માં જોવા માટે તૈયાર છે જે ડિરેક્ટર તરીકે તેની પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મ, જે ૧૨ સપ્ટેમ્બરે મોટા પડદા પર આવવાની હતી, તે તાજેતરમાં ૩ ઓક્ટોબર, ૨૦૨૪ પર મુલતવી રાખવામાં આવી હતી.