મહેસાણા,
ગુજરાત એસેમ્બલી ઇલેકશન ૨૦૨૨ : મહેસાણાના ખેરાલુમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની સુરક્ષા મુદ્દે ફરી કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ફક્ત અને ફક્ત પોતાની વોટ બેંક સાચવવા સમગ્ર ગુજરાતને કોમી રમખાણોની આગમાં ધકેલી દીધું હતું. જેના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાઇ ગયો હતો. વોટ બેંકના રાજકારણને કારણે કોંગ્રેસે ગુજરાતની શાંતિને પીંખી નાખી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળ્યા બાદ ગુજરાતમાં રમખાણો અને કફર્યુ ભૂતકાળ બની ગયા. ૨૦૦૨માં ફરી ગુજરાતમાં કોમી દાવાનળ સળગ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં રમખાણો કરનારા તત્વોને એવો પાઠ ભણાવવામાં આવ્યો કે આજે ૨૦ વર્ષ બાદ ૨૦૨૨માં પણ ગુજરાતમાં તોફાનો કરવાની કોઇની હિંમત નથી થતી.
ખેરાલુમાં સભા સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તમારો એક મત આગામી ૫ વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. આ મત ૨૦૨૨ માટેનો નહીં પણ ૨૦૨૪ માટેનો હશે. તો વધુમાં કોંગ્રેસ પર પ્રહાર ર્ક્તા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ઉત્તર ગુજરાતનો ભાગ ડાર્ક ઝોનમાં હતો. જો ભાજપ સરકાર ન આવી હોત તો ઉત્તર ગુજરાત રણ બની જાત. તત્કાલિન કોંગ્રેસ સરકારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવા પર પ્રતિબંધ મુક્યો હતો.
આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથી. ચૂંટણી ટાણે કોંગ્રેસિયા નવા કપડા પહેરીને આવી જાય છે. કોંગ્રેસ વોટબેક્ધના કારણે આસ્થા કેન્દ્રોના વિકાસ કામ નહોતા કરતા.
અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને જાય છે. ચૂંટણી સમયે કોંગ્રેસ ઘા પર મીઠુ ભભરાવવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસે વોટ માટે ગુજરાતને પીંખી નાખ્યુ. પહેલા છાસવારે કર્ફયૂ થતા હતા, ભાજપ સરકારે ૨૦૦૨માં અસામાજીક તત્વોને એવો પાઠ ભણાવ્યો કે હવે ઘરમાં જ ચૂપચાપ બેસી રહે છે. ઉપરાંત ઉમેર્યું કે, ઉતર ગુજરાતને પાણી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું.