શહેરાના અણીયાદ ચોકડી ખાતે 15 મી ઓગસ્ટ ને ગુરૂવારના રોજ સમાધાન માટે આવેલા મીઠાપુર ગામના મહિલા સરપંચના પતિ સહિત અન્ય યુવાનો ઉપર 9 વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે 9 ની સામે ગુન્હો નોંધી 4 ની ધરપકડ કરી અન્ય 5 આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા
શહેરાના મીઠાપુર ગામે 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં ફરિયાદી સંજયસિંહ સોલંકીના પિતરાઈ નરેન્દ્ર સાથે હાથ મિલાવવાના મુદ્દે બોલાચાલી થઈ હતી,જેને લઈને ગુરૂવાર ના દિવસે નગરના અણીયાદ ચોકડી ખાતે દેવરાજ ગઢવી સંજય સિંહ સોલંકી સાથે સમાધાનની વાત કરતા હતા ત્યારે સંજય સિંહ સોલંકીએ જોયું તો તેના કાકાના દીકરા અરૂણ સાથે દેવરાજ સાથે આવેલા માણસો બીભત્સ ગાળો બોલતા હતા,દેવરાજ ગઢવીના સાથેના લોકો અરૂણ ને લાકડીઓથી બરડાના ભાગે મારવા લાગ્યા હતા.દેવરાજ ગઢવી અને ટપુભાઈ વાલાભાઈ ગઢવી એ આજે તો આ લોકોને પતાવી દેવાના છે અને દેવરાજે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઈપ સંજયને મારતા કપાળ ના ભાગે આંખની ઉપર પાઈપ વાગતા લોહી વહેવા લાગ્યું હતું એ સમયે સંજય નો ભાઈ પંકજ પોતાના ભાઈ ને બચાવવા પડતા તેને માથાના પાછળના ભાગે લોખંડની પાઈપ વાગતા તે ત્યાં જ ઢળી પડવા સાથે અન્ય યુવાનોને પણ શરીર એ નાની મોટી ઈજા પહોંચી હતી.
સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મીઠાપુર ગામના મહિલા સરપંચના પતિ સંજયસિંહ સોલંકી અને પંકજ સહિતના અન્ય યુવાનોને સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં બંનેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં પંકજની તબિયત નાજુક જણાતાં તેને વડોદરા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઈજાગ્રસ્ત સંજયની ફરિયાદના આધારે 9 વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ મુજબ હત્યાના પ્રયાસ નો ગુન્હો નોંધી 4 ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે અન્ય 5 હાલ ફરાર છે.
અણીયાદ ચોકડી જેવા મહત્વના વિસ્તારમાં ધોળા દિવસે હિન્દી ફિલ્મ ની જેમ સંજય સિંહ સોલંકી સહિત અન્ય યુવાનો પર ત્રણ કરતાં વધુ લોકો હાથમાં લાકડીઓ , દંડા સાથે તૂટી પડીને માર મારીને લોહી લુહાણ કરી દીધા બાદ ત્યાંથી બિન્દાસ્ત જતા રહે છે,અહી પોલીસ પોઇન્ટ હોવા છતાં આવી ઘટના બનવા પામી હતી. જોકે પોલીસની સારી કામગીરી અનેક વખત દેખવા મળી હોય ત્યારે આ બનેલ ઘટનાને જોતા પોલીસ દ્વારા આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી જોઈએ તે પણ જરૂરી છે.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામે 16/5/2024 ના રોજ ત્યાંના ભૂતપૂર્વ સરપંચ ની ભેલાણ બાબતે લાકડીઓ ફટકા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી તેની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં ફરી એક વખત મીઠાપુરના સરપંચ ના પતિ તેમજ દિયર પર જીવલેણ હુમલો થતા અનેક ચર્ચાઓએ સ્થાન લીધું છે.અને કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે અમુક તત્વો વર્તી રહ્યા છે.
અણીયાદ ચોકડી વિસ્તારમાં ગુરૂવારના દિવસે મીઠાપુર ગામના મહિલા સરપંચના પતિ અને ભાજપ સાથે જોડાયેલા સંજયસિંહ સોલંકી અને તેમના ભાઈ પંકજ સહિત અન્ય વ્યક્તિઓ પર 9 ઈસમોએ પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો.જોકે બનેલી આ ઘટના ધારાસભ્યની કાર્યાલયની બહાર બનવા પામી હતી,પોલીસ દ્વારા આટલી મોટી ઘટના બની હોય ત્યારે આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેથી પ્રજાજનોમાં ડરનો માહોલ ન રહે અને આવી ઘટના ફરીથી બનતી અટકી શકે તો નવાઈ નહી,
જોકે ભરચક વિસ્તારમાં આવેલી ધારાસભ્યની કાર્યાલયની બહાર બનેલી આ ઘટનાને પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે અને આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી જોઈએ કેમકે તાલુકામાં અગાઉ પણ આવી ઘટના બનવા પામી હોઇ જેથી કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા ને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.
મીઠાપુર ગામના મહિલા સરપંચ ના પતિ સહિત અન્ય યુવાનો પર જે જીવલેણ હુમલો થયો એમાં પોલીસે 9 સામે ગુનો નોંધીને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી હોવાથી વધુ બીજા અન્ય નામો ખુલી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી……