નવીદિલ્હી,
સાતમી ડિસેમ્બરથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્રમાં પહેલી વાર સોનિયા અને રાહુલ ગાંધીની કોંગ્રેસના સંસદમાં દૈનિક કામકાજમાં તેમજ વિપક્ષ સાથે સક્રીય ભૂમિકામાં ભૂમિકા નહીં હોય, તેમના બદલે વિપક્ષી દળો સાથે સંસદની કાર્યવાહી રણનીતિક તાલમેલની જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને લોક્સભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી નિભાવશે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહેવાના કારણે પાર્ટીના ફલોર મેનેજમેન્ટમાં સામેલ નહીં થઈ શકે. સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળની નેતા બની રહેશે પણ સંસદમાં પાર્ટીના રોજેરોજના કામમાં દખલગીરી નહીં કરે. સંસદનું શિયાળુ સત્ર ૭ ડિસેમ્બરે શરૂ થશે, ૨૯મી ડિસેમ્બરે પુરું થશે. સંસદના શિયાળુ સત્રમાં રાહુલ ઉપરાંત જયરામ રમેશ, દિગ્વીજયસિંહ પણ ગેરહાજર રહેશે, જયારે રાજયસભામાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા નેતા રાજીવ શુકલા શિયાળુ સત્રમાં પરદા પાછળ રહીને ભૂમિકા ભજવશે.