ઝાલોદ ડોકટર એસોસિએશન દ્વારા કોલકત્તાની ધટના અંગે વિરોધ નોંધાવી આવેદન આપ્યુ

કોલકત્તા ખાતે બનેલ દુ:ખદ ઘટના સામે ઝાલોદ ડોક્ટર એસોશિએશન દ્વારા ભારે વિરોધ નોંધાંવી આ મામલે ઝાલોદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ઝાલોદ ડોક્ટર એસોશીએશન દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદ ડોક્ટર્સ, મેડિકલ અને પેરામેડિકલના સભ્યો કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અમારા સાથી અને બીજા વર્ષના રેસિડેન્ટ ડો. મઉમિતા દેબનાથ સાથે બનેલી દુ:ખદ અને ક્રુર ઘટનાથી ખૂબ જ આઘાતમય અને દુ:ખી છીએ. અમારા મહિલા તબીબ સાથી સાથે થયેલ દુરાચારને કારણે અમે સ્તબ્ધ અને શોકમગ્ન છીએ.

હિંસાનું આ ધૃણાસ્પદ કૃત્ય માત્ર સુરક્ષાના જ ગંભીર અભાવને જ પ્રકાશિત કરતું નથી પરંતુ તબીબી વ્યવસાયિકોની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા પ્રણાલીગત સુધારાની તાત્કાલીક જરૂરિયાતને પણ રેખાંકિત કરે છે. આ દુ:ખદ ઘટનાના સંદર્ભમાં અમે ઝાલોદ ડોક્ટર્સ એસોસિએશન, ફાર્માસિસ્ટ એસોસિએશન તથા પેરામેડિકલ એસોસિએશને મળીને ભારતભરના તબીબી સાથીઓ સાથે સ્ટેન્ડ લેવાનું નક્કી કર્યુ છે.

અમે 16 ઓગસ્ટ 2024 થી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જો આદેશ આપશે તો કોઇપણ બિન-ઈમરજન્સી તબીબી સેવાઓથી દૂર રહીશું. આ કાર્યવાહીનો હેતુ આપણાં સામુહિક દુ:ખને વ્યક્ત કરવા અને દેશભરની તબીબી સંસ્થાઓ તથા તબીબો સાથે અવાર-નવાર ઘટતા હિંસક બનાવોની સામે સુરક્ષા નિશ્ચિત કરવા, તેને સુધારવા તાત્કાલીક અને નોંધપાત્ર પગલાની માંગ કરવાનો છે.

સંયુક્ત વલણ સલામત કાર્યકારી વાતાવરણની તાત્કાલીક જરૂરિયાત તરફ ધ્યાન દોરવાનો અને ભવિષ્યમાં આવી અમાનુષી ઘટનાઓને અટકાવે તેવા પગલાની હિમાયત કરવાનો છે અને અમારા સાથી સાથે થયેલ ધૃણાસ્પદ ઘટનાને વખોડી તેને ઉચિત અને ત્વરિત ન્યાય મળે તે સુનિશ્ચત કરાવવાનો છે.