દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં ગામમાંથી સ્મશાને જવા માટે સંબંધિત તંત્ર દ્વારા રસ્તો ન બનાવાતાં અંતિમ વિધિ માટે લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી સ્મશાન સુધી જવા મજબુર થવું પડી રહ્યું છે. રસ્તાની રજુઆત મામલે સંબંધિત તંત્રને ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી રસ્તાનું નિર્માણ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય સરકાર દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં લોકોની સુખ, સુવિધા માટે લાખ્ખો, કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ સરકાર દ્વારા રસ્તા, પાણી, સ્વચ્છતા વિગેરે જેવી લોકોની પ્રાથમીક સુવિધા મળી રહે તે માટે સરકાર લાખ્ખો કરોડોની ગ્રાન્ટો ફાળવતી હોય છે પરંતુ દાહોદ જિલ્લામાં એવા ઘણા ગામો છે જેમાં લોકોને મળવાપાત્ર પ્રાથમીક સુવિધા પુરી પાડવામાં તંત્ર વામળુ પુરવાર થઈ રહ્યું છે ત્યારે આવોજ એક નજારો ફતેપુરાના નાનીઢઢેલી ગામે ભેદી ફળિયામાં જોવા મળ્યો હતો.
જેમાં આ ગામના લોકો જ્યારે ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમ યાત્રા દરમ્યાન સ્મશાને પહોંચવા માટે લોકોને નદીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે તેમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડતો હોય છે. સ્મશાને સુધી જવા માટે રસ્તો ન હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં સ્મશાને જવા માટેનો રસ્તો તંત્ર દ્વારા ન બનાવાતાં લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનો દ્વારા અવાર નવાર વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયતને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાંય આ ગામમાં અત્યાર સુધી રસ્તાનું કોઈ નિર્માણ કરવામાં આવ્યું નથી. માટે ગામમાં સત્વરે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા લાગણી અને માંગણી ઉઠવા પામી છે.