જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોશ્રીઓ દ્વારા અનાજ પુરવઠા, વીજળી, ગેરકાયદેસર દબાણ, પ્રદુષણ સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી આ પ્રશ્નોના ઉકેલ માટે સત્વરે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
વધુમાં સંકલનના સામાન્ય મુદ્દાઓ જેમ કે કચેરી વિષયક પડતર તુમારો, લોકોની પડતર અરજીઓ, સરકારી લેણાની વસુલાત, વિભાગો વચ્ચે સંકલનના પ્રશ્નો વગેરે બાબતે ચર્ચા કરી પ્રજાલક્ષી કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો. નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સફળ કાર્યક્રમ બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી. વધુમાં, તેમણે નડિયાદ શહેરના રોડ-રસ્તાઓની નિયમિત દેખરેખ રાખી સંબધિત પ્રશ્નોનુ સત્વરે નિકાલ લાવવા સુચન કર્યુ હતુ.
સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં, મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાએ અનાજ વિતરણ અને આંગણવાડીના બાળકોને આપવામાં આવતા નાસ્તા બાબતે પ્રશ્નોની રજૂઆત કરી જરૂરી ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા,અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, આસિ. કલેક્ટર અંચુ વિલસન, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફીસરઓ, શિક્ષણ, આરોગ્ય, પુરવઠા,આરટીઓ, રોજગાર, પંચાયત, માર્ગ અને મકાન, ખેતીવાડી સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.