બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને શેખ હસીનાના દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વેપારને લઈને અનેક મૂંઝવણ છે. આ સમયે કેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી છે. હવે અદાણીને બાંગ્લાદેશને સપ્લાય કરતા પાવર પ્લાન્ટમાંથી ભારતમાં વીજળી વેચવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ હવે અદાણી પાવર માટે સ્થાનિક બજારમાં વીજળી વેચવાનો માર્ગ ખોલી દીધો છે.
સેન્ટ્રલ પાવર એક્સપોર્ટ રેગ્યુલેશનને કારણે અદાણી પાવર ઝારખંડમાં ૧૬૦૦ મેગાવોટના ગોડ્ડા પ્લાન્ટમાંથી પાવર માત્ર બાંગ્લાદેશને વેચી રહી હતી. પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ બગડતાં વચગાળાની સરકાર સાથેનો વ્યવસાયિક સોદો કેવી રીતે આગળ વધશે તે સ્પષ્ટ ન હતું. પરંતુ કાયદામાં સુધારો કરીને કેન્દ્રએ સ્થાનિક બજારમાં વીજળી વેચવાનો માર્ગ ખોલી દીધો છે. હવે અદાણી પાવર દેશમાં વીજળી વેચી શકશે.
અદાણી ગ્રુપને નવા સુધારાથી મોટી રાહત મળી છે. હવે, જો બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરતી વખતે ચુકવણીમાં વિલંબ થાય અથવા ચૂકવણી ન થાય તો તે દેશમાં તેની વીજળી વેચી શકશે. અદાણી ગ્રુપે કહ્યું કે સરકારના નિર્ણયથી અમે દેશમાં વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવામાં મદદ કરી શકીશું.
૧૨ ઓગસ્ટના રોજ જારી કરાયેલા ઉર્જા મંત્રાલયના આદેશ અનુસાર, સરકારે ૨૦૧૮ના પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે. હવે નવા સુધારા અનુસાર જો પાવર જનરેટર વીજળી ઉત્પન્ન કરે છે અને તેની નિકાસ કરવા સક્ષમ નથી તો તેઓ તેને દેશમાં વેચી શકે છે. આ સમગ્ર ઉત્પાદન અથવા તેના પાર્ટ પ્રોડક્શન પણ હોઈ શકે છે.