શહેરાના તાડવા ગામે કેનાલ પાસે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપ્યા

શહેરા તાલુકાના તાડવા ગામની કેનાલ પાસેથી પાનાપત્તાનો જુગાર રમતા પાંચ જુગારીયાઓને 5 બાઈક અને રોકડ સહિત રૂ.1,20,960 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે, પાંચ જુગારીયા પકડી પાડયા જ્યારે પાંચ જુગારીયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામે કેનાલ પાસે આવેલ ગલ્લા પાછળ ઝાડીઝાંખરામાં શહેરાના તળાવ મહોલ્લાનો જાબીર બેલીમ નામનો ઈસમ કેટલાક ઈસમોને ભેગા કરી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની બાતમી શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.રાજપૂતને મળી હતી. જે બાતમીના આધારે પોલીસ મથકની સર્વેલન્સ ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા અફરાતફરી મચી હતી.

જેમાં સ્થળ પરથી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા અલ્તાફ શેખ, ભુપત નાયકા, સુખરા નાયકા,ઉદા નાયક અને રસીદ પઠાણ એમ પાંચ જુગારીયા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય પાંચ જુગારીયા પોલીસની રેઇડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પાંચ જુગારીયાને ઝડપી પાડી અંગઝડતી દરમિયાન અને દાવ ઉપર મુકેલ રૂા.10,960 તેમજ પાંચ બાઈક મળી કુલ રૂા.1,20,960 નો મુદ્દામાલ કબ્જે લઈ શહેરા પોલીસ મથકે 10 જુગારીયાઓ સામે જુગારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં પોલીસે પ્રથમ કેસ જુગારનો કરવામાં આવ્યો હોય ત્યારે એમ કહી શકાય કે છુપી રીતે મોટા બાગડ બિલ્લા મોટા પાયે જુગાર રમી રહ્યા હોય એવી અનેક ચર્ચાઓ લોકોમાં થઈ રહી હોય ત્યારે આવા જુગારીયાઓને પણ પોલીસ ક્યારે પકડી પાડશે એતો જોવું જ બન્યું છે.