સંસદના શિયાળુ સત્રમાં હંગામો થવાની શક્યતા, મોંઘવારી અને બેરોજગારી પર વિપક્ષ સરકારને ઘેરશે

  • અમે સત્રમાં સુચારૂ કામગીરી સુનિશ્ર્ચિત કરવા માંગીએ છીએ : સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ

નવીદિલ્હી,

સંસદના શિયાળુ સત્રમાં હંગામો થવાની શક્યતાઓ છે. રાજ્યપાલની ભૂમિકા, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. સરકાર ડેટા પ્રોટેક્શન બિલ સહિત લગભગ એક ડઝન બિલ પસાર કરવા પર નજર રાખી રહી છે, પરંતુ વિપક્ષનું વલણ જોતા એવું લાગતું નથી કે ગૃહમાં તેનો રસ્તો સરળ રહેશે. વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલની કથિત દખલગીરી, તપાસ એજન્સીઓનો દુરુપયોગ, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, જૂની પેન્શન યોજનાને પુન:સ્થાપિત કરવાની માગ જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, અમે સત્રમાં સુચારૂ કામગીરી સુનિશ્ર્ચિત કરવા માંગીએ છીએ. ૬ ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠકમાં વિવિધ પક્ષો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવશે અને વિષયો નક્કી કરવામાં આવશે.

સત્ર દરમિયાન કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આરએસપી સહિત અનેક વિપક્ષી દળો મોંઘવારી, બેરોજગારી ઉપરાંત વિપક્ષી દળોનું શાસન ધરાવતા તમિલનાડુ, પશ્ર્ચિમ બંગાળ, તેલંગાણા, કેરળ જેવા રાજ્યોમાં તેઓ શિયાળુ સત્રમાં રાજ્યપાલ દ્વારા કામમાં દખલગીરીનો મુદ્દો ઉઠાવશે. લોક્સભામાં કોંગ્રેસના મુખ્ય દંડક કે. સુરેશે જણાવ્યું કે સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓને લઈને આગામી એક-બે દિવસમાં પાર્ટીની રણનીતિની બેઠક થશે, જેમાં વિષયોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તમિલનાડુ, પશ્ર્ચિમ બંગાળ, તેલંગાણા, કેરળ, ઝારખંડ જેવા વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોમાં રાજ્યપાલની કામગીરીમાં કથિત રીતે દખલ કરવાનો મુદ્દો મુખ્ય મુદ્દો છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં પણ આપણે જોયું કે શું થયું. તેમણે કહ્યું કે રાજ્યપાલ દ્વારા રાજ્ય સરકારના કામકાજમાં હસ્તક્ષેપ એ બંધારણની ભાવના અને સંઘીય માળખાની વિરુદ્ધ છે અને આ મુદ્દો સત્ર દરમિયાન ઉઠાવવામાં આવી શકે છે.

કે. સુરેશે કહ્યું કે સત્ર દરમિયાન મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો મહત્વનો રહેશે, સાથે જ ખેડૂતોના મુદ્દાઓ પણ મુખ્ય રહેશે કારણ કે સરકારે તેમને આપેલા વચનને પૂર્ણ કર્યું નથી. બીજી તરફ મેઘવાલે કહ્યું કે, અમે ઓછામાં ઓછા ૧૦ બિલ પાસ કરવા માંગીએ છીએ. આ અંગે ચર્ચા થશે અને તે બધા સંજોગો કેવા છે તેના પર નિર્ભર રહેશે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિપક્ષ મોંઘવારી, બેરોજગારી, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના કોર્ટના આદેશને લગતા મુદ્દાઓ ઉઠાવવા માંગે છે, મેઘવાલે કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચારણા કર્યા પછી, તેઓ ચર્ચા કરશે. મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે અને તેને પ્રાથમિક્તાના ધોરણે લેવામાં આવશે.