વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

  • જીલ્લા પોલીસ દ્વારા માર્ચપાસ્ટા, રંગારંગ સાંસ્કૃાતિક કાર્યક્રમો,વૃક્ષારોપણ સહિત વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી કરાયા સન્માનિત :જેઠાભાઈ આહીર.
  • વડાપ્રધાનના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો-યોજનાઓ અમલમાં આવી છે.
  • 9 લાખ ખેડૂતો 7 લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
  • જીલ્લામાં 9.43 લાખથી વધુ પશુઓનું રસીકરણ તથા 154 પશુ આરોગ્ય મેળાઓ થકી 31 હજારથી વધુ પશુઓને સ્થળ પર જ સારવાર અપાઈ.
  • છેલ્લા 1 વર્ષમાં પંચમહાલ જીલ્લામાં કૂલ 16,581 આવાસો પૂર્ણ કરાયા છે.120.97 કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા ચૂકવાયા.

પંચમહાલ જીલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની જીલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન, બાન, શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી.

આ પ્રસંગે ઉપાધ્યક્ષએ રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો- સેનાનીઓને નત મસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો,અધિકારીગણ અને સર્વે બાંધવોને અંતરના ઉમળકાથી 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે શુભકામનાઓ સાથે જણાવ્યું હતું કે, 8 મી ઓગષ્ટથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમની ભાવના પ્રબળ કરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો-યોજનાઓ અમલમાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 45 લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની આર્થિક સહાય મળી રહી છે. તેમણે કહ્યું કે, જૈવિક અને પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

રાજ્યમાં 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં વિદ્યાર્થિની દીઠ રૂ.50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આપણો દેશ વૈશ્ર્વિક શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા સાથે વિશ્ર્વ મિત્રની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે.

આવનારા વર્ષોમાં ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય વડાપ્રધાનએ આપ્યું છે. ગુજરાતમાં 19 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (ખજખઊત) ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા છે અને રાજ્યના 80 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે. ભારતની પહેલી સેમિક્ધડક્ટર ચીપનું નિર્માણ ગુજરાતમાં થવા જઇ રહ્યું છે.

તેમણે પંચમહાલ જીલ્લાના વિકાસ કાર્યો અંગે જણાવ્યું કે, વર્ષ દરમિયાન જીલ્લામાં 9.43 લાખથી વધુ પશુઓનું રસીકરણ તથા 154 પશુ આરોગ્ય મેળાઓ થકી 31 હજારથી વધુ પશુઓને સ્થળ પર જ સારવાર અપાઈ છે. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં પંચમહાલ જીલ્લામાં કૂલ 16,581 આવાસો પૂર્ણ કરાયા છે. 120.97 કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા ચૂકવવામાં આવ્યા છે.

જીલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓએ મળીને છેલ્લા એક વર્ષમાં જીલ્લાના કુલ 1.34 લાખથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ગોધરા હેઠળ છેલ્લા એક વર્ષમાં રસ્તાનાં કુલ – 36 કામો 177.86 કિ.મી. લંબાઈના રૂ. 93.39 કરોડના મંજુર કરાયા જે પૈકી 62.77 કિ.મી. લંબાઈના કુલ – 3 કામો પ્રગતિ હેઠળ છે. મકાનોના કુલ 25 કામો રૂ. 81.15 કરોડના મંજુર કરાયા જે પૈકી કુલ – 03 કામો પ્રગતિ હેઠળ છે.

ગોધરા ખાતે વર્ષ-2024માં રૂપિયા 31.51 કરોડના ખર્ચે કુલ 16,540 ચો.મીટર ધરાવતી ઔધોગિક તાલીમ સંસ્થાના નવીન મલ્ટીસ્ટોરી બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે જેમાં 48 વર્કશોપ, 41 થીયરી રૂમ તથા રર જેટલા અન્ય રૂમોની ભૌતિક સુવીધાઓથી સજ્જ સંસ્થાનું પરિસર બનાવવામાં આવ્યું છે. જીલ્લામાં કુલ 26 આઈ.ટી.આઈ કાર્યરત છે, જેમાં કુલ અંદાજે 8,500 થી વધારે તાલીમાર્થીઓ દર વર્ષે તાલીમ લઈ તકનીકી કુશળતા સાથે રોજગારી તથા સ્વ રોજગારી ક્ષેત્રે સક્ષમ બને છે.

આ પ્રસંગે જીલ્લા પોલીસ વિભાગની વિવિધ બટાલિયન દ્વારા માર્ચપાસ્ટ રજૂ કરાઈ હતી. વિકાસના કામો અર્થે ઘોઘંબા તાલુકાને રૂ.25 લાખનો ચેક એનાયત કરાયો હતો. જીલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જીલ્લાના વિવિધ વિભાગના સન્માન પાત્ર અધિકારી-કર્મચારીઓ સહિત જીલ્લાના વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિતોએ વૃક્ષારોપણ કર્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી વખતે જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,જીલ્લા કલેક્ટર આશિષ કુમાર, જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત પોલીસ જવાનો,અધિકારીઓ/કર્મચારીઓ,જીલ્લાના અગ્રણીઓ,વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.