પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર વધુ ભાર મૂકયો

  • દેશમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતાની જરૂર છે અને આધુનિક સમાજમાં ખોટા કાયદાને કોઈ સ્થાન નથી.

ભારતના ૭૮માં સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના ભાષણમાં મહિલા પર અત્યાચાર, મેડિકલ તેમજ કૃષિ ક્ષેત્ર સહિત યુસીસી પર બોલ્યા હતાં. પોતાના ભાષણમાં પીએમ મોદીએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર વધુ ભાર મૂકયો હતો. જયારે વિપક્ષના નેતાઓએ પીએમ મોદીને યુસીસી લાગુ કરવાની બાબતનો વિરોધ કરતા ટિકા પણ કરી હતી. વિપક્ષ નેતાઓનું કહેવું છે કે પીએમ મોદી યુસીસીને લઈને ફક્ત કેટલાક સમુદાયને નિશાન બનાવવા માંગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, ભારતના ૧૪૦ કરોડ લોકોની ફરજ છે કે તેઓ નાગરિક તરીકે તેમની ફરજો નિભાવે અને હું આના પર ચર્ચા ઈચ્છું છું, જે કાયદાઓ સાંપ્રદાયિક અને ભેદભાવવાળા હોય તેને કોઈ સ્થાન નથી. વડાપ્રધાને કહ્યું કે જે કાયદાઓ દેશને ધર્મના નામે વિભાજિત કરે છે તેને હટાવવા જોઈએ. દેશમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતાની જરૂર છે અને આધુનિક સમાજમાં ખોટા કાયદાને કોઈ સ્થાન નથી. વર્તમાન નાગરિક સંહિતા એ કોમ્યુનલ સિવિલ કોડ છે. હવે આપણને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની જરૂર છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં યુસીસી લાગુ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જેનો કોંગ્રેસ પક્ષ તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાત દ્વારા પણ ટિકા કરવામાં આવી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરી લખ્યું કે વડાપ્રધાનના દ્વેષની કોઈ સીમા નથી. આ વાત આજે તેમના લાલ કિલ્લાના ભાષણમાં સંપૂર્ણપણે દેખાઈ હતી. એવું કહેવું કે અત્યાર સુધી આપણી પાસે કોમ્યુનલ સિવિલ કોડ છે તે ડો. આંબેડકરનું ઘોર અપમાન છે.

ડૉ. આંબેડકર હિંદુ પર્સનલ લૉમાં સુધારાના સૌથી મોટા હિમાયતી હતા, જે ૧૯૫૦ના દાયકાના મય સુધીમાં સાકાર કરવામાં આવ્યા હતા. આરએસએસ અને જનસંઘ દ્વારા આ સુધારાઓનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.જયારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવી પીએમ મોદીના યુસીસીને લઈને કરેલા નિવેદન પર કહ્યું કે ભારતના મુસ્લિમો કોમન સિવિલ કોડ લાગુ કરવા મામલે રાજી નથી.

યુનિફોર્મ સિવિલ કોડ એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલક્તના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ ૪૪ જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.

ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. તેમજ કાયદો બનાવીને સંસદે ગોવાને પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી, ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં સિવિલ લોડ લાગુ છે અને આ બિલની રજૂઆત બાદ ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય છે જ્યાં સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા નિયમ લાગુ કરવામાં આવ્યો.

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. પ્રત્યેક રાજ્યમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને જૈન સંપ્રદાય સમુદાયના લોકો વસવાટ કરતા હોય છે. દેશના તમામ રાજ્યોમાં અલગ-અલગ ધર્મને લઈને અલગ-અલગ કાયદાઓ છે. જેના કારણે ન્યાયતંત્ર પર કેસોનું ભારણ વધુ છે. જો ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો સૌથી મોટો લાભ દેશની અદાલતોને થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાના કારણે ન્યાયતંત્ર પરનું ભારણ ઓછું થશે અને આ નવા નિયમના કારણે અલગ-અલગ ધર્મોના આધારે પડતર કેસોનો વહેલી તકે ઉકેલ આવશે.

૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા આવ્યા બાદ ભાજપ માટે રામ મંદિર, અનુચ્છેદ ૩૭૦, ઝ્રછછ, ટ્રિપલ તલાક અને યુનિફોર્મ સિવલ કોડ જેવા મુદ્દા મુખ્ય રહ્યા છે. ભાજપે તેના ૧૦ વર્ષના શાસનમાં યુનિફોર્મ સિવિલ કોડ સિવાયના તમામ એજન્ડા પૂર્ણ કરી દીધા છે. હવે ભાજપ તેની ત્રીજી ટર્મમાં યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે આગળ વધવા માંગે છે. આનાથી ભાજપ તેમના મુખ્ય મતદારોને એકત્ર કરવા પ્રયાસ કરશે અને બીજી તરફ મુસ્લિમોની પ્રતિક્રિયા પણ ધ્રુવીકરણ તરફ દોરી જશે. હવે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી જ આ મુદ્દો ઉઠાવ્યો છે, ત્યારે સ્પષ્ટ છે કે ભાજપ આ મુદ્દે વધુ આક્રમક રીતે સામે આવશે.મહત્વનું છે કે વિશ્વમાં અમેરિકા સિવાય પણ અન્ય દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. રોમ, ફ્રાન્સ અને તુર્કીમાં પણ સામાન્ય નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી હતી.