બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ૨૦ ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર ૩૦ જૂન, ૧૯૪૮ સુધી ભારતની સત્તા જવાબદાર ભારતીયોના હાથમાં સોંપવા માગે છે. તેથી લોર્ડ વેવેલના સ્થાન પર લોર્ડ માઉન્ટબેટનને ભારતના અંતિમ વાઇસરોય બનાવીને મોકલવામાં આવ્યા. મુખ્ય રાજકીય પક્ષો, નેતાઓ અને રાજાઓ સાથે વિમર્શ બાદ માઉન્ટબેટન એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ભારતીય સમસ્યાનું એકમાત્ર સમાધાન દેશનું વિભાજન છે. તેમણે પોતાની યોજના ૩ જૂને જાહેર કરી, જે અનુસાર ભારતને એટલી દ્વારા નિર્ધારિત તારીખ પહેલાં જ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સ્વતંત્રતા આપી દેવાશે.
આ યોજના અનુસાર પંજાબ અને બંગાળના વિભાજન માટે સીમા આયોગની નિયુક્તિ, પશ્ર્ચિમોત્તર સીમાંત પ્રાંત અને અસમના સિલહટ જિલ્લામાં જનમત સંગ્રહ કરાવવો, સિંધ અને બલૂચિસ્તાનમાં પ્રાંતીય વિધાનમંડળોને નિર્ણય લેવા દેવો કે તેઓ પાકિસ્તાનમાં ભળવા માગે છે કે નહીં તથા દેશી રજવાડાંને ભારત કે પાકિસ્તાનમાં સામેલ થવા કે સ્વતંત્ર રહેવાનો અધિકાર આપવામાં આવ્યો. પરિણામે સિરિલ રેડક્લિફને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાઓના નિર્ધારણ માટે ૩૦ જૂન, ૧૯૪૭ના રોજ રચાયેલ પંજાબ સીમા આયોગ અને બંગાળ સીમા આયોગના સંયુક્ત અધ્યક્ષ નિયુક્ત કરાયો. તેણે આંતરરાષ્ટ્રીય સીમા નિર્ધારણનું કામ માત્ર છ અઠવાડિયામાં કરવાનું હતું.
માઉન્ટબેટન યોજનાને ૧૦ જૂન, ૧૯૪૭ના રોજ મુસ્લિમ લીગે, ૧૫ જૂન, ૧૯૪૭ના રોજ કોંગ્રેસે સ્વીકાર કરી. મહાત્મા ગાંધીએ ત્યારે કહ્યું હતું કે જો કોંગ્રેસ ભાગલા મંજૂર કરશે, તો તેણે મારી લાશ ઉપર કરવા પડશે. માઉન્ટબેટનની યોજનાના આધાર પર બ્રિટિશ સંસદે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ૧૯૪૭ પસાર કર્યો, જેનાથી ભારતની સ્વતંત્રતાની સાથે વિભાજનની વિભીષિકા પણ પેદા થઈ. વિભાજને વિસ્થાપન અને સાંપ્રદાયિક હિંસાને જન્મ આપ્યો.
લાખો લોકોએ પોતાના ઘરબાર છોડીને બીજા દેશમાં શરણ લેવા મજબૂર થવું પડ્યું. આ કોઈ યુદ્ઘ કે દુકાળ સિવાય થનારું ઇતિહાસનું સૌથી મોટું જબરદસ્તી પલાયન માનવામાં આવે છે. આ દરમ્યાન બે લાખથી ૧૦ લાખ લોકો માર્યા ગયા. વિભાજને ભારતીય ઉપમહાદ્વીપના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક તાણાવાણાને પણ ઊંડે સુધી પ્રભાવિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૨૧માં ‘વિભાજન વિભીષિકા દિવસ’ની ઘોષણા એ દર્શાવે છે કે વિભાજનની પીડા અને તેના પરિણામોને યાદ રાખવા મહત્ત્વપૂર્ણ છે. વિભાજનની ઘટનાઓનું સ્મરણ અને વિશ્લેષણ આપણને ન માત્ર ભૂતકાળની ભૂલો પરથી શીખવાનો મોકો આપે છે, બલ્કે આપણે એક ખુશહાલ ભવિષ્યની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા પણ આપે છે.