બાંગ્લાદેશમાં ફરી થઈ શકે છે મોટો બળવો, અવામી લીગ કાઉન્ટર ક્રાંતિની તૈયારી કરી રહી છે

બળવા બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. પૂર્વ પીએમ શેખ હસીના હાલ ભારતમાં છે. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દેશમાં સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમના તરફથી વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો બળવો થઈ શકે છે.

અવામી લીગના સમર્થકો મોટો બળવો કરી શકે છે. ઓગસ્ટ મહિનામાં જ મોટું પ્રદર્શન થવાની શક્યતા છે. વિદ્યાર્થી ક્રાંતિને જવાબ આપવા માટે ગુપ્ત તૈયારીઓ ચાલી રહી છે. જે શેખ હસીના સરકાર વિરુદ્ધ થયું હતું. આ કાઉન્ટર રિવોલ્યૂશનને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આર્મી ચીફને કાઉન્ટર રિવોલ્યુશન અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે કાઉન્ટર રિવોલ્યુશનની વાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે બાંગ્લાદેશ આર્મી બેરેકમાં પાછા જવાનો વિચાર કરી રહી છે. જેથી આતંકવાદ વિરોધી કામગીરી પર યાન કેન્દ્રિત કરી શકાય. આર્મી ચીફ જનરલ વકાર ઉઝ જમાને પોતે કહ્યું છે કે, પોલીસ ઓપરેશનની કમાન સંભાળ્યા બાદ તમામ સૈનિકો બેરેકમાં પરત ફરશે.

આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું છે કે સેનાએ શેખ હસીનાના ઘણા સહયોગીઓને આશ્રય આપ્યો છે. આર્મી ચીફે કહ્યું છે કે અવામી લીગના સિનિયર નેતાઓનો જીવ જોખમમાં છે. જો આ નેતાઓએ ખોટું કર્યું હોય તો તેમને સજા થશે. પરંતુ અમે તેને ટોળાને સોંપી શક્તા નથી.

શેખ હસીનાએ દેશ છોડ્યા પછી વિરોધીઓએ અવામી લીગના ઘણા નેતાઓને મારી નાખ્યા છે. નવી સરકારની રચના બાદ અવામી પાર્ટી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શેખ હસીના તેમની કેબિનેટમાં મંત્રી રહેલા બે નેતાઓ અને બરતરફ કરાયેલા પોલીસ વડા સહિત અન્ય છ વિરુદ્ધ હત્યાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવશે.

બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામતની વ્યવસ્થાને લઈને અવામી લીગની આગેવાની હેઠળની સરકાર સામે વિરોધ શરૂ થયો હતો. જે ધીરે-ધીરે હિંસક બનતો ગયો. ૫ ઓગસ્ટના રોજ શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવ્યા હતા. આ પછી પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સડકો પર હંગામો મચાવ્યો હતો. સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમાં અવામી પાર્ટીના લોકો પણ હતા.શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ તેમની સામે આ પહેલો કેસ નોંધાયો છે. બાંગ્લાદેશમાં હિંસક અથડામણ દરમિયાન કરિયાણાની દુકાનના માલિકના મૃત્યુના સંબંધમાં તેની અને અન્ય છ લોકો સામે આ કેસ નોંધવામાં આવ્યો છે.