ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં જોડાયા

અમદાવાદ,

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે બે દિવસ બાકી રહી ગયા છે, ત્યારે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં જોડાયા છે. પોતાના કાર્યકરો સાથે જયનારાયણ વ્યાસ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. અગાઉ ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યુ હતુ, નારાજ નેતા કોંગ્રેસમાં જશે તેવું લાંબા સમયથી ચર્ચાઈ રહ્યુ હતું. એટલુ જ નહિ, ગઈકાલે સિદ્ધપુરમાં કૉંગ્રેસના ઉમેદવારને સમર્થનની જાહેરાત કરી હતી. ત્યારે જયનારાયણ વ્યાસના કોંગ્રેસમાં જવાથી ભાજપને મોટો ફટકો પડી શકે છે.

જયનારાયણ વ્યાસ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. મલ્લિકાર્જુન ખડગેએ તેમને ગળામં ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ એપીએમસીના પુર્વ ચેરમેન સમીર વ્યાસ પણ કોંગ્રેસમાં જોડાયા છે.

કોંગ્રેસમાં જોડાયા પહેલા રવિવારે પૂર્વ આરોગ્યમંત્રી ડૉ જ્યનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં દેખાયા હતા. ડૉ જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને જાહેરમાં સમર્થન આપ્યું હતું. વામૈયા ગામે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ડો.જયનારાયણ વ્યાસે હાજરી આપી હતી. ડો.જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. ત્યારે આ ઘટનાએ ભાજપના ખેમામાં ચર્ચા જગાવી હતી.