લાંચિયા સીએફઓ અનિલ મારૂ ત્રણ દિવસના રીમાન્ડ પર: ૪૨ દિવસમાં કેટલાં ઉઘરાણા કર્યા તેની તપાસ

રાજકોટમાં મહાનગરપાલિકામાં આવેલ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ ચાર્જ સાંભળ્યાના ૪૨ દિવસમાં જ પોતાનું પોત પ્રકાશી ફાયર એનઓસી માટે વેપારી પાસેથી રૂ.૩ લાખની લાંચ માંગી હતી.જેમનો પ્રથમ હપ્તો રૂ.૧.૨૦ લાખ સ્વીકારી લીધાં બાદ બીજા હપ્તો રૂ.૧.૮૦ લાખ વેપારી પાસેથી આરએમસીની ઓફિસમાં જ લાંચ લેતાં રંગેહાથ જામનગર એસીબીએ દબોચી લીધો હતો. બાદમાં એસીબીની ટીમે તેમના રાજકોટ અને ભુજ સ્થિત આવાસે દરોડા પાડ્યા હતાં. ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પરંતુ તેમના ટેબલમાંથી વધું રૂ.૫૦ હજાર મળતાં તે પણ લાંચના જ હોવાની શક્યતાને આધારે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રહેતા અને ફાયર સેટી ફીટીંગનું કામ કરતા અરજદારે એક ઈમારતમાં કરેલ ફીટીંગ અંગેનું ફાયર એનઓસી લેવાનું હોય જે અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારૂનો સંપર્ક સાયો હતો.

તેણે ૩ લાખની લાંચ માંગી હતી જે તે વખતે રૂ.૧.૨૦ લાખ ચૂકવી દીધા બાદમાં બાકી રહેતા રૂ.૧.૮૦ લાખ અરજદાર આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરીયાદ કરી હતી. હરક્તમાં આવેલ એસીબીના ઇન્ચાર્જ નિયામક કે.એચ. ગોહિલે ટ્રેપને સફળ બનાવવા જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી અને ટીમને જવાબદારી સોંપતા ટીમે મનપાની સેન્ટ્રલ ઝોન ફાયર કચેરી બહાર છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ રૂ. ૧.૮૦ લાખ આપતા જ તેમની સાથે અરજદારના સ્વાંગમાં રહેલ એસીબી સ્ટાફે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લાંચ લેતા રંગેહાથ દબોચી લીધો હતો.

રાજકોટ એસીબીની ટીમે ગઈકાલે અનિલ મારૂને કોર્ટમાં રજૂ કરતાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયાં હતાં. અનિલ મારૂની ઓફિસમાંથી વધું રૂ.૫૦ હજાર રોકડા મળતાં તે પણ લાંચના હોવાની શક્યતાના આધારે તપાસ હાથ ધરી હતી. જો કે, હાલ અનિલ મારુએ એસીબી સામે મૌન સેવી લીધું છે. ૪૨ દિવસના ટૂંકા સમયગાળામાં કેટલી ફાઈલોમાં રૂપીયા કટકટાવ્યાં તે અંગે પણ તપાસ હાથ ધરી હતી.