ગાંધીનગર: દશામાની મૂર્તિ પધારાવતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા

ગુજરાતમાં ફરી ગોઝારી ઘટના બની છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. આજે વહેલી સવારે સેક્ટર ૩૦ પાસે આવેલી સાબરમતી નદીમાં આ ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહિતી થઇ હતી અને રાતે જાગરણ કરવામાં આવ્યું હતુ.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ગઇકાલે મંગળવારે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હતો અને ભક્તો રાતે જાગરણ કર્યુ હતુ. આજે વહેલી સવારે ગાંધીનગરમાં સેક્ટર ૩૦ પાસે આવેલી સાબરમતી નદીમાં ગોઝારી ઘટના બની છે. દશામાની મૂર્તિ પધરાવતા પાંચ લોકો ડૂબ્યા હતા. જે બાદ ફાયર વિભાગને જાણ થતા ત્યાં આવીને શોધખોળ કરી હતી. ફાયરની ટીમની ભારે જહેમત બાદ તેમણે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય બે લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. ખુશીના પ્રસંગે અચાનક ગોઝારી ઘટના બનાતા સ્નેહીજનો અને ત્યાં આવેલા તમામ લોકોમાં નિરાશા છવાઇ ગઇ હતી. આ સમાચાર સાંભળતા ડૂબી ગયેલા લોકોના પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ છવાયો છે.

મૃતકોના નામ ૧. અજયભાઈ વણજારા ઉંમર – ૩૦ શિવાનંદ નગર અમરાઈ વાડી અમદાવાદ,૨. ભારતીબેન પ્રજાપતિ,ઉંમર – ૩૪,૩. પૂનમબેન પ્રજાપતિ ઉંમર – ૧૨