ભાવનગરમાં શિક્ષક સાઇબર ક્રાઈમ નો ભોગ બન્યા બાદ એક ડોક્ટર પણ લાલચમાં આવી જઇ સાઇબર ક્રાઇમ નો ભોગ બન્યા છે અને રૂપિયા અડધા કરોડથી વધુ રકમ ગુમાવી છે.
આ બનાવ અંગેની માહિતી એવી છે કે શહેરના વિદ્યાનગર, બહેરા મુંગા સ્કૂલ સામે પ્લોટ નં.૨૦-ડીમાં રહેતા અને કાળાનાળામાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા બાળકોના તબીબ રાજીવભાઈ મનહરલાલ ધંધુકિયા ઉ.વ.૪૮ને ગત તા.૨૦-૬ના રોજ સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી જાહેરાત જોવા મળી હતી.
જેથી તેમણે લીંક મારફત વોટ્સએપ ગ્રુપ જોઈન કર્યા બાદ ગ્રુપમાં સ્ટોક માર્કેટને લગતી માહિતી અને ટ્રેડીંગની ટિપ્સ આવતી હોય, જેથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચમાં તબીબ આર.એમ.ધંધુકિયાએ ગ્રુપમાં આવેલી એજેએસએમ૭.પ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી એકાઉન્ટ બનાવ્યું હતું.
તેમજ વોટ્સએપ ગ્રુપમાં ઈન્સ્ટિટયુશનલ ટ્રેડીંગ અને બ્લોક ટ્રેડીંગ કરી ઓછા ભાવે સ્ટોક મળે અને સારો નફો થાય છે. તેમાં આઈપીઓ ભરવાથી આઈપીઓ લાગે અને નફો સારો થશે તેવું જણાવાયું હતું. જેથી તબીબે એજેએસએમ૭ નામની એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવાનું અને તેના રૂપિયા એપ્લિકેશનમાં જણાવેલા બેક્ધ એકાઉન્ટમાં મોકલવાનું શરૂ કર્યું હતું. ભેજાબાજોએ તબીબને વિશ્વાસમાં લેવા શરૂઆતમાં થોડી રકમનું વિડ્રો આપ્યું હતું.
જેથી તબીબે તા.૨૧-૬થી તા.૧૨-૭ના સમયગાળા દરમિયાન કુલ રૂા.૫૦,૮૯,૦૦૦નું અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ રૂપિયા ઉપાડવા માટે તેમણે રિક્વેસ્ટ કરતા સાઈબર ફ્રોડોએ અસલ ચહેરો દેખાડયો હતો અને રકમ વિડ્રો કરવા માટે ટેક્સ-બીજા ચાર્જીસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહીં તબીબ સાથે રૂા.૫૦.૫૯ લાખની વિશ્ર્વાસઘાત-છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે ડો.આર.એમ.ધંધુકિયાએ સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ કે.જી. ચાવડા ચલાવી રહ્યા છે.