વર્ષ ૨૦૩૬માં ભારતની વસ્તી ૧૫૨.૨ કરોડ સુધી પહોંચી શકે છે

વર્ષ ૨૦૩૬માં ભારતની વસ્તી ૧૫૨.૨ કરોડ સુધી પહોંચી શકે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે આ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર ૨૦૩૬ સુધીમાં લિંગ ગુણોત્તર પ્રતિ ૧૦૦૦ પુરૂષે સ્ત્રીઓની સંખ્યા ૯૫૨ થવાનો અંદાજ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં આ આંકડો ૯૪૩ હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વસ્તીમાં મહિલાઓની ટકાવારીમાં પણ થોડો સુધારો જોવા મળી શકે છે. વર્ષ ૨૦૩૬માં મહિલાઓની ટકાવારી વધીને ૪૮.૮% થવાની ધારણા છે. ૨૦૧૧ માં તે ૪૮.૫% હતો.

ફટલિટી દરમાં ઘટાડાને કારણે, વર્ષ ૨૦૧૧ની સરખામણીએ વર્ષ ૨૦૩૬માં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોનું પ્રમાણ ઘટવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, કુલ વસતીમાં ૬૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોનું પ્રમાણ ઝડપથી વધી જશે. યુનાઈટેડ નેશન્સની આરોગ્ય એજન્સી યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડએ એપ્રિલ ૨૦૨૪માં એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લા ૭૭ વર્ષમાં ભારતની વસ્તી બમણી થઈ ગઈ છે. તે ૧૪૪.૧૭ કરોડ પર પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ૨૦૦૬-૨૦૨૩ વચ્ચે ૨૩% લોકોના બાળલગ્ન થયા છે. બીજી તરફ, પ્રસુતી દરમિયાન મહિલાઓના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે ૧૪૨૫ મિલિયનની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનને પાછળ છોડી દીધો હતો.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તી ૧૨૧ કરોડ નોંધાઈ હતી. રિપોર્ટ અનુસાર, ભારતની કુલ વસ્તીના ૨૪% લોકો ૦-૧૪ વર્ષની વયના છે. ૧૫-૬૪ વર્ષની વયના લોકોની સંખ્યા સૌથી વધુ ૬૪% છે. ૧લી જાન્યુઆરી, ૨૦૨૪ થી, વિશ્ર્વની વસ્તી ૮ અબજને વટાવી ગઈ છે. ૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ આ આંકડો ૭.૯૪ અબજ હતો. અમેરિકાના સેન્સસ બ્યુરોએ એક રિપોર્ટમાં આ દાવો કર્યા મુજબ, વર્ષ ૨૦૨૩માં વિશ્ર્વની વસ્તીમાં લગભગ ૭૫ મિલિયનનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, વિશ્ર્વમાં દર સેકન્ડે ૪.૩ લોકો જન્મે છે, જ્યારે દર સેકન્ડે ૨ લોકો મૃત્યુ પામે છે.

આ અહેવાલ અનુસાર, ૧૫મી સામાન્ય ચૂંટણી (૧૯૯૯) સુધીમાં ૬૦% કરતા પણ ઓછી મહિલાઓએ મતદાનમાં હિસ્સો લીધો હતો. તે જ સમયે, પુરુષોની મતદાન ટકાવારી મહિલાઓની સરખામણીએ ૮% વધુ હતી. જો કે, ૧૫ વર્ષ પછી, ૨૦૧૪ના મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધીને ૬૫.૬% થઈ ગઈ હતી. ૨૦૧૯માં આ આંકડો વધીને ૬૭.૨% પર પહોંચી ગયો હતો.