મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર સતત ૧૧મી વખત ધ્વજ ફરકાવશે

૧૫મી ઓગસ્ટની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. પોલીસે લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. આવતા-જતા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ વખતે આ પ્રસંગે ૧૮ હજારથી વધુ મહેમાનો હાજર રહેશે. આ વખતે મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના ૪ હજારથી વધુ લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર સતત ૧૧મી વખત ધ્વજ ફરકાવશે. આમ કરીને તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે. લાલ કિલ્લા પરથી સતત ૧૦ વર્ષ સુધી ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ તેમના નામે છે.

લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુના નામે છે. તેમણે લાલ કિલ્લા પરથી સતત ૧૭ વખત ધ્વજ ફરકાવ્યો. તેઓ ૧૯૪૭ થી ૧૯૬૩ સુધી દેશના વડાપ્રધાન હતા. આ પછી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ આવે છે. ઈન્દિરા ગાંધી ૧૯૬૬ થી ૧૯૭૬ અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી દેશના વડાપ્રધાન હતા. આ દરમિયાન તેમણે ૧૬ વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે પૂર્વ પીએમ મનમોહન સિંહે ૨૦૦૪ થી ૨૦૧૩ સુધી સતત ૧૦ વખત ધ્વજ ફરકાવ્યો હતો.

દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ૩ હજારથી વધુ ટ્રાફિક પોલીસ, ૧૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ એઆઇ-આધારિત ચહેરાની ઓળખ સાથે ૭૦૦ કેમેરા તૈનાત કર્યા છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમશયલ મોલ અને બજારો સહિત વિવિધ સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસ કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં અનેક સ્તરની સુરક્ષા રહેશે. સ્વતંત્રતા દિવસ પર એઆઇ-આધારિત ચહેરાની ઓળખ સાથે ૭૦૦ સીસીટીવી કેમેરા ખરીદ્યા.

આ કેમેરામાં ‘હાઈ-રિઝોલ્યુશન પેન-ટિલ્ટ-ઝૂમ ફીચર્સ’ હશે, જેના દ્વારા પોલીસ કોઈને દૂરથી ઓળખી શકશે. આ કેમેરા કિલ્લામાં અને તેની આસપાસ લગાવવામાં આવશે. એઆઇ-આધારિત ચહેરાની ઓળખ અને વિડિયો પૃથ્થકરણ માટે સક્ષમ આ કેમેરા ફૂલપ્રૂફ સુરક્ષા સુનિશ્ર્ચિત કરશે. લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર લોકોની ઓળખ ચકાસવા માટે પોલીસ સ્માર્ટફોન આધારિત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરશે. આ સિવાય વડાપ્રધાન અને અન્ય વીઆઇપીની સુરક્ષા માટે મહત્વના સ્થળો પર સ્નાઈપર્સ, વિશેષ સ્વાટ કમાન્ડો, પતંગ શિકારીઓ અને ‘શાર્પશૂટર્સ’ તૈનાત કરવામાં આવશે.