સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને રાહત મળી નહીં,આગામી સુનાવણી ૨૩મીએ

  • દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા વચગાળાના જામીનની માંગ કરી છે

સુપ્રીમ કોર્ટે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈક્ધાર કરી દીધો છે. કોર્ટે બુધવારે તેને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેંચે કેજરીવાલની ધરપકડ જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈની અરજી પર તપાસ એજન્સીને નોટિસ જારી કરી હતી. બેન્ચે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે અમે કોઈ વચગાળાના જામીન આપી રહ્યાં નથી. અમે નોટિસ જારી કરીશું. આ મામલે આગામી સુનાવણી ૨૩ ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં, સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી કોઈ પણ કોર્ટમાં હાજર નહોતું. હકીક્તમાં, કેજરીવાલે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા વચગાળાના જામીનની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી ૨૩ ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે અને તેને વચગાળાના જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો છે.

દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડને માન્ય ગણાવતા મુખ્યમંત્રીની અરજીને ૫ ઓગસ્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈની કાર્યવાહી ખોટી નથી. કારણ કે મુખ્યમંત્રી રહીને તમે સાક્ષીઓને પ્રભાવિત કરી શકો છો. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત સીબીઆઇ કેસમાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૦ ઓગસ્ટ સુધી લંબાવી છે. ૫ ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં સીબીઆઇએ દલીલ કરી હતી કે આપ સંયોજક સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સીબીઆઈની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે.

કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૧ માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે તેને ૨૦ જૂને આ કેસમાં જામીન આપ્યા હતા. જો કે, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ ૧૨ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. સીબીઆઈ અને ઈડીનો આરોપ છે કે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કરવામાં અનિયમિતતા આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને ગેરકાનૂની લાભો આપવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખી છે, જેમાં તેણે મે ૨૦૧૮માં યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયો શેર કરવા સંબંધિત માનહાનિના કેસમાં જારી કરાયેલા અનેક સમન્સને જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. . કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ સમાધાન માટે થોડો વધુ સમય માંગ્યો હતો, ત્યારબાદ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કેસની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. સિંઘવીએ કહ્યું કે તેઓ (કેજરીવાલ) વીડિયો શેર કરવા બદલ પસ્તાવો કરે છે પરંતુ તે તેમની (ફરિયાદીની) શરતો પર ન હોઈ શકે.