ભારતમાં ફરી એક વખત હિંડનબર્ગનું ભૂત ધૂણ્યું છે. આ વખતે નિશાના પર સેબી પ્રમુખ છે. પહેલી વાર જ્યારે આ અમેરિકી શોર્ટસેલરે અદાણી સમૂહ પર આરોપો મૂક્યા હતા ત્યારે ભારતીય શેરબજારમાં ભૂકંપ આવી ગયો હતો, પરંતુ આ વખતે સૂરસૂરિયું જ થયું છે.
ભારતમાં અદાણી ગ્રુપ વિપક્ષના રાજકીય નિશાના પર રહ્યું છે, તેથી જ્યારે હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો તો વિપક્ષના રાજકીય આરોપોને બળ મળ્યું. જોકે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, જેમાં હિંડનબર્ગના આરોપો પાયાવિહોણા સાબિત થયા. એ સમયે સેબીએ હિંડનબર્ગને નોટિસ પાઠવી અને પક્ષપાતપૂર્ણ શોર્ટ સેલિંગના હેતુથી બહાર પાડેલ રિપોર્ટને લઈને જવાબ માગ્યો.
આ નોટિસનો તો હિંડનબર્ગે જવાબ ન આપ્યો, પરંતુ બજાર નિયામક સેબીનાં પ્રમુખ માધવી પુરી બુચ અને તેમના પતિ પર પડદા પાછળ રોકાણનો આરોપ કરી દીધો. હિંડનબર્ગે આરોપ લગાવ્યો કે અદાણી ગ્રુપ વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં સેબીની અનિચ્છાનું કારણ સેબી પ્રમુખ અને તેમના પતિ ધવલ બુચની અદાણી સમૂહ સાથે સંકળાયેલા વિદેશી કોષમાં ભાગીદારી હોઈ શકે છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી ઓફશોર કંપનીમાં ભાગીદારી છે.
આરોપના જવાબમાં સેબી પ્રમુખે કહ્યું કે અમેરિકી કંપની હિંડનબર્ગ સેબીની વિશ્ર્વસનીયતા પર હુમલો કરવા અને ચેરપર્સનની છબિ ખરાબ કરવાની કોશિશ કરી રહી છે. બુચ દંપતિએ એક વિસ્તૃત નિવેદનમાં કહ્યું કે આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટના એક ફંડમાં તેમનું રોકાણ સિંગાપોર સ્થિત ખાનગી નાગરિક રૂપે કરવામાં આવ્યું હતું. માધવીના સેબીમાં પૂર્ણકાલીન સદસ્ય રૂપે સામેલ થવાના બે વર્ષ પહેલાં આ રોકાણ કરવામાં આવ્યું હતું.
તેની સાથે જ દંપતિએ કહ્યું કે ૨૦૧૯થી બ્લેકસ્ટોનમાં વરિષ્ઠ સલાહકાર ધવલ ખાનગી ઇક્વીટી ફર્મના રિયલ એસ્ટેટ પક્ષ સાથે નથી જોડાયા. ૨૦૧૭માં સેબીમાં પૂર્ણકાલીન સદસ્ય રૂપે માધવીની નિયુક્તિના તરત બાદ તેમની બે પરામર્શ કંપનીઓ નિષ્ક્રિય થઈ ગઈ હતી. જોકે ભારતમાં કેટલાય પ્રકારના નિયામકીય ઉલ્લંઘનો માટે હિંડનબર્ગને નોટિસ મોકલવામાં આવી છે.
દુર્ભાગ્યપૂર્ણ છે કે નોટિસનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે સેબીની વિશ્વસનીયતા પર હુમલો કરવાનો વિકલ્પ પસંદ કર્યો. સંપદા મેનેજમેન્ટ કંપની ૩૬૦ વને પણ હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર સફાઈ આપી છે કે તેના પૂર્વવર્તી આઇપીઈ પ્લસ ફંડ-૧એ અદાણી સમૂહના શેરોમાં કોઈ રોકાણ નથી કર્યું. કંપની ૩૬૦વન (પહેલાં આઇઆઇએએલ)એ એક નિવેદનમાં કહ્યું કે સેબીનાં ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનુંઆ રોકાણ ફંડમાં કુલ પ્રવાહના ૧.૫ ટકાથી પણ ઓછું રોકાણ હતું અને કોઈપણ રોકાણકારના રોકાણ નિર્ણયોમાં સંડોવણી ન હતી.
ભારતીય કંપની અને નિયામકોને લઈને હિંડનબર્ગનો રિપોર્ટ પૂર્વગ્રહથી ગ્રસ્ત રહ્યો છે તે સાબિત થઈ ચૂક્યું છે. હિંડનબર્ગ રિપોર્ટનું અદાણી ગ્રુપે પણ ખંડન કર્યું છે. ગહન તપાસ બાદ સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ૨૦૨૪માં હિંડનબર્ગના આરોપો ફગાવી દીધા હતા. આ વખતે પણ સેબી પ્રમુખ પર આરોપો મુદ્દે વિપક્ષની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપે વિપક્ષ પર ખુલ્લો આરોપ મૂક્યો છે કે હિંડનબર્ગ અને વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ વચ્ચે મિલીભગત છે અને રાહુલ ગાંધી ભારતીય શેરબજાર વિશે રોકાણકારોના મનમાં શંકા પેદા કરવા માગે છે.