પંજાબના હોશિયારપુરમાં કાર નદીમાં તણાઈ, ૯ લોકોના મોત, માને દુ:ખ વ્યક્ત કર્યું

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને હોશિયારપુરમાં મુશળધાર વરસાદને કારણે ૧૧ લોકોના ડૂબી જવા પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશના એક પરિવારના ૧૧ સભ્યો, જેઓ ઈનોવા કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ભારે વરસાદને કારણે નાળામાં પાણીના વધતા પ્રવાહમાં ફસાઈ ગયા.

તેમણે જણાવ્યું કે પરિવારના ૯ સભ્યોના મોત થયા છે, જ્યારે બાકીના બેની શોધ ચાલી રહી છે. ૯ વ્યક્તિઓના નિધન પર શોક વ્યક્ત કરતા સીએમ ભગવંત માને કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે. મુખ્યમંત્રીએ પીડિત પરિવારના વારસદારોને ૪ લાખ રૂપિયાની આથક સહાયની પણ જાહેરાત કરી હતી. ભગવંત માને કહ્યું કે, તેમણે વહીવટીતંત્રને ગુમ થયેલા લોકોને શોધવા માટે રાહત કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી દીધી છે.

વાસ્તવમાં, પંજાબના હોશિયારપુરથી લગભગ ૩૪ કિમી દૂર આવેલા જૈજોનમાં રવિવારે પાણીથી ભરેલી નાની વરસાદી નદીમાં એક વાહન ધોવાઈ જતાં એક પરિવારના આઠ સભ્યો સહિત નવ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય બે લાપતા છે. આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પરિવારને ૪ લાખ રૂપિયાની આથક સહાયની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં ભારે વરસાદને કારણે બરસાતી નદીમાં ઉછાળો આવ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કાર ચાલક સાથે પરિવારના ૧૧ સભ્યો હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના મહેતપુર નજીક દેહરાથી પંજાબના એસબીએસ નગર જિલ્લાના મેહરોવાલ ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુમાં ભારે વરસાદને કારણે પાણીથી ભરેલી નાની નદીને પાર કરતી વખતે ઈનોવા ધોવાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે કેટલાક સ્થાનિક લોકોએ પાણીના જોરદાર મોજાને કારણે ડ્રાઇવરને નદી પાર કરવા વિશે ચેતવણી પણ આપી હતી, પરંતુ તેણે તેમની અવગણના કરી અને આગળ વયો.