દાહોદમાં હાલ ચોમાસની સીઝનમાં શહેરના રસ્તાઓ ખખડધજ બની ગયા છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરના બસ સ્ટેશનમાં પણ ખાડા,ખાબોચિયાને કારણે કાદવ-કિચડનુ સામ્રાજય હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત બસ સ્ટેશનમાં અસહ્ય ગંદકી તેમજ કચરાને પગલે પણ મુસાફરોને પરેશાની વેઠવી પડી રહી છે. તેમ છતાં જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ શહેર સ્માર્ટસિટીમાં આંખે વળગીને ઉડે તેવી કામગીરી અત્યાર સુધી જોવા મળી નથી. માત્ર કેટલાક જાહેર રસ્તાઓ તેમજ બગીચાનુ નવીનીકરણ કરી સંબંધિત તંત્ર સ્માર્ટ સિટીની કામગીરીને કરી સંતોષ માની લીધો હોય તેમ લાગી રહ્યુ છે. તેમાંય હાલ ખાસ કરીને ચોમાસની ઋતુમાં નવા બનાવેલા રસ્તા પણ ખખડધજ હાલતમાં છે.
રસ્તામાં વરસાદી પાણીથી ખાબોચિયા ભરાયા છે. દાહોદ શહેરના સ્ટેશન રોડથી લઈ યાદગાર ચોક, નગરપાલિકા, ગોદી રોડ, વગેરે જેવા જાહેર રસ્તા ખખડધજ બની ગયા છે. આવા સમયે દાહોદ શહેરના બસ સ્ટેશનની હાલત અત્યંત દયનીય બની છે. બસ સ્ટેશનની અંદરનો રસ્તો બિસ્માર બની ગયો છે. આખાયે બસ સ્ટેશનમાં વરસાદી પાણીની વચ્ચે સમગ્ર બસ સ્ટેશન વિસ્તાર વરસાદી પાણીના ખાડા, ખાબોચિયાથી ભરાઈ ગયા છે. આવતા જતા મુસાફરોને આ સમસ્યાને પગલે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.