પાવાગઢ તળેટીમાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં વન-ડે ટ્રેકના નામે ફરવા આવેલા લોકો સામે વનવિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરાઈ

પાવાગઢની તળેટીના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં વન-ડે ટ્રેકના નામે લોકો પાસેથી પૈસા પડાવી ટ્રેકિંગ કરવા લાવનાર ભેજાબાજો અને ટ્રેકિંગ માટે આવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી.

યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વનવિભાગના તાબા હેઠળના અનામત પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવાના બહાને વડોદરા-ગોધરા સહિતના વિવિધ શહેરોમાંથી પાવાગઢ વન-ડે ટ્રેક (એક દિવસનો પ્રવાસ)ના નામે કેટલાક લેભાગુ ભેજાબાજ વ્યકિતઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી જાહેરાત કરી ટ્રેકિંગના શોખીન લોકોને રજીસ્ટર અને બુકિંગ કરાવી વ્યકિત દીઠ પૈસા ઉઘરાવી તેમની અહિં લવાય છે.

ગત રોજે પણ આ રીતે કેટલાક લોકો અહિં લવાયા હોવાની જાણ વનવિભાગના અધિકારીને થતાં તેના આધારે વનવિભાગ તેમજ હાલોલ રૂરલ પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી વહેલી સવારે 8 વાગ્યાથી બપોરે 1 સુધીમાં આ પ્રતિબંધિત વિસ્તારમાં વન-ડે ટ્રેક નામે ફરતા લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં વડોદરા, ગોધરા, આણંદ, સહિતના આસપાસના શહેરી વિસ્તારમાંથી લાવેલા લોકો હતા. જે લોકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ફરી વિભાગના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. આ લોકો સામે વનવિભાગ દ્વારા રૂ.500 થી લઈને રૂ.2000 સુધીનો દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે વન-ડે ટ્રેક ગ્રુપના બહાને લોકોને લઈને આવેલા શખ્સો સામે પણ દંડનીય કાર્યવાહી કરી હવે પછી આ પ્રકારની પ્રવૃત્તિ નહિ કરવા ચેતવણી આપી છોડી મુકવામાં આવ્યા હતા.