ગોધરા મીલમાંથી ઝડપાયેલ 16.47 કરોડના તુવેરદાળના કેસમાં પતંજલી અને આંધ્ર સિવિલ સપ્લાય કોર્પોરેશન સહિત ત્રણને નોટિસ

ગોધરાની તહુરા પ્રોટીન્સમાં પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડીને આંધ્રપ્રદેશની સરકારી તુવેરદાળનો એક કિલોના 10 લાખ ફાટેલી હાલતમાં પેકેટ મળી આવ્યા હતા. કલેકટરે આંધ્રપ્રદેશ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિ.(એસીસીએફ)ની મુખ્ય બ્રાન્ચ સહિત ત્રણ જગ્યાએ નોટિસ આપી છે. તેમજ પેકેટ પર પતંજલીના માર્કા હોવાથી પતંજલીની મુખ્ય બ્રાન્ચ સહિત બે જગ્યાએ કલેકટરે કારણદર્શન નોટિસ ફટકારી છે.

ગોધરાના મજાવર રોડ પર આવેલ તહુરા પ્રોટીન્સ (તુવેરદાળ મીલ)માં પુરવઠાના દરોડામાં આંધ્રપ્રદેશ રાજય સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ પી.ડી.એમ.તથા આઈસીડીએસ માર્કાવાળી શંકાસ્પદ સરકારી તુવેરદાળમાં એક કિ.ગ્રા.ના લાખોની સંખ્યામાં પેકેટ મળ્યા હતા. પુરવઠા વિભાગે આંધ્રપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો રૂ.16,47,64,400/-11,13,300 કિ.ગ્રા.નો જથ્થાને સીઝ કર્યો હતો.

આંધ્રપ્રદેશને સપ્લાય કરતો જથ્થો ગોધરા ખાતેની મીલમાં કેવી રીતે આવ્યો અને આ જથ્થાના તુવેરદાળના દાણા ગુજરાત ન હોવાને લઈને રાજય બહાર હોવાનુ બહાર આવ્યુ છે.જેને લઈને જિલ્લા કલેકટરે પતંજલી આર્યુવેદિક લિ.ના મેનેજીંગ ડિરેકટર બાલાક્રિષ્ણાજી તથા પતંજલીની મહારાષ્ટ્રની શોલાપુરની બ્રાન્ચને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેમજ તુવેરદાળ સપ્લાયર એનસીસીએફના ચેરમેન દિલ્હી, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમાં બ્રાન્ચ મેનેજર તથા એનસીસીએફની અમદાવાદ ખાતેની ઓફિસના બ્રાન્ચ મેનેજરને કલેકટરે કલમ કારણદર્શન નોટિસ પાઠવવામાં આવી છે.