નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ

  • જીલ્લાના પ્રભારી સચિવ આર. સી. મીણાની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમનું રીહર્સલ યોજાયું.

ખેડા જીલ્લાના નડીયાદમાં 78મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ઉપલક્ષમાં જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.

નડિયાદ એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે આજે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અગ્ર સચિવ અને ખેડા જીલ્લાના પ્રભારી સચિવ આર.સી. મીણાની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમનું રીહર્સલ યોજાયું હતું. જેમાં મહાનુભાવોનું પોલીસ બેન્ડ સાથે આગમન, ધ્વજવંદન, પોલીસ જવાનો દ્વારા પરેડ, વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાની થીમ આધારિત રંગબેરંગી પોશાક સાથે દેશભક્તિ ગીતની રજુઆત, શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા પોલીસ જવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાયફલ ડ્ર્રીલ, નેવી પેટ્રોલીંગ, ડોગ શો, રાષ્ટ્રગાન અને ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન સહિતનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

પ્રભારી સચિવ આર.સી. મીણાએ ધ્વજવંદન કરીને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ તકે એડિશનલ ડી.જી. (આર્મ્ડ યુનિટ) રાજુ ભાર્ગવ, જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, એસ.આર.પી. કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, નાયબ વનસંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી સહિત જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.