લીમખેડાના પાલ્લી ગામે કન્ટેનર ટ્રકએ તુફાનને પાછળથી ટકકર મારતાં તુફાનમાં સવાર બે વ્યકિતના મોત

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે રોડ પર મધરાતે યમદૂત બની પુરપાટ દોડી આવતા ક્ધટેનર ટ્રક આગળ જતી તુફાન ગાડીને પાછળથી ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તુફાન ગાડીમાં બેઠેલા બંને જણાને ગંભીર જીવલેણ ઈજાઓ થતા તે બંનેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હોવાનું પોલીસ સૂત્રો દ્વારાજાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગમખ્વાર અકસ્માતનો ચાલી રહેલો સિલસિલો હજીયે યથાવત રહેતા ચાલુ વર્ષે આઠ માસમાં કેટલાય નિર્દોષ લોકો તેમાં કાળનો કોળિયો બનતા દાહોદ જીલ્લો અકસ્માત ઝોન બની ગયો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. તેવા સમયે દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે રોડ પર ગત મધરાતે એક ક્ધટેનર ટ્રક ચાલક તેના કબજાનું ક્ધટેનર ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી આગળ જઈ રહેલ જી.જે.20એક્સ- 5285 નંબરની તુફાન ગાડીને પાછળથી જોશભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તુફાન ગાડીમાં બેઠેલા દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં રહેતા 35 વર્ષીય પંકજભાઈ કનુભાઈ પરમાર તથા 29 વર્ષીય ચંપકભાઈ સેનાભાઈ નલવાયા ને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તે બંનેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને મરણ જનાર પંકજભાઈ કનુભાઈ પરમાર તથા ચંપકભાઈ સેનાભાઈ નલવાયાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ બંનેની લાશનું પંચનામુ કરી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી રોઝમ ગામના હોળી ફળિયામાં રહેતા પ્રદીપભાઈ કનુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ક્ધટેનર ટ્રક લઈ નાસી ગયેલા ક્ધટેનર ટ્રકના ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.