સોમાલિયામાં રાષ્ટ્રપતિ ભવન પાસે આતંકવાદી હુમલો:પર્યાવરણ મંત્રી થોડાક માટે બચ્યા, એક દિવસ પહેલાં સેનાએ ૧૦૦ આતંકવાદીઓ માર્યા હતા

મોગાદિશ,

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં રવિવારની સાંજે એક હોટલમાં આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે. આ હુમલો રાષ્ટ્રપતિ ભવનની પાસે વિલા રોઝ હોટલમાં થયો છે. આ હુમલામાં પર્યાવરણ મંત્રી હિરસી થોડાક માટે બચ્યા. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આંતરિક સુરક્ષા મંત્રી મોહમ્મદ અહમદ ઘાયલ થઇ ગયા છે.

હકીક્તમાં શનિવારે જ દેશની મિલિટરીએ અલ-શબાબના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી અને ૧૦૦ આતંકવાદીને મારી નાખ્યા હતા, એવામાં માનવામાં આવે છે કે બદલો લેવા માટે ફરીથી હોટલ પર હુમલો થયો છે.

એક મહિનામાં આ બીજો મોટો આતંકવાદી હુમલો છે. આની પહેલાં ૨૯ ઓક્ટોબરે બે કારમાં ધમાકા થયા હતા, જેમાં ૧૦૦ લોકોનાં મોત અને ૩૦૦ લોકો ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ હોટલમાં વધારે મંત્રી અને સરકારી અધિકારીઓ રોકાય છે. અહીં રવિવાર સાંજે અચાનક વિસ્ફોટ થયો અને ગોળીબાર થયો. ઘણા અધિકારીઓ હજી ફસાયેલા છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે હોટલમાં કેટલા આતંકવાદીઓ ઘૂસ્યા છે. પરંતુ કેટલાક આતંકવાદીઓ હોવાની સંભાવના છે.

પોલીસે હોટલમાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર નિકાળ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. આતંકવાદીઓને મારવા માટે પોલીસની સાથે-સાથે કેટલીક સ્પેશિયલ એજન્સીઓ પહોંચી ગઇ છે.

સોમાલિયાની સેનાએ શનિવારે સેન્ટ્રલ શબેલે વિસ્તારમાં એર સ્ટ્રાઇક કરીને આતંકવાદી સંગઠન અલ-શબાબના ૧૦૦ આતંકવાદીઓને મારી નાખ્યા. તેમાં ૧૨ કમાન્ડર હતા. મિનિસ્ટર અલ- અદાલાએ જાણકારી આપતા કહ્યું છે કે અમને ખબર મળી હતી કે આ આતંકવાદી સરકારી અધિકારીઓ અને સેના પર મોટો હુમલો કરવાના છે. તેની પૂરી તૈયારીઓ કરી લીધી હતી. આ હુમલાને રોકવા માટે અમે એર સ્ટ્રાઇક કરી. શબેલેની પાસે મહાસ જિલ્લાના કમિશનર મુમિન મોહમ્મદ હલાનેએ કહ્યું – મેં ૧૬ આતંકવાદીઓનાં શબ જોયા. આમની પાસેથી સેનાને કેટલાંક હથિયારો મળ્યાં છે.