ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે અથડામણ, કાયદાના ૫ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. તિરુથની પાસે ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કાયદાના વિદ્યાર્થીઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીના હતા. તમામ વિદ્યાર્થીઓના મૃતદેહને કબજે લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ૨ ઓગસ્ટના રોજ આવી જ એક ઘટનામાં ચેન્નાઈ નજીક એક લો કોલેજની મહિલા સહિત ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી. પડુર પાસે એક કાર પલટી મારી ગઈ હતી. ત્યારબાદ ૨ મહિલાઓ સહિત ૩ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક મહિલાનું ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું.

પાંચ વિદ્યાર્થીઓનું જૂથ ૧ ઓગસ્ટની સાંજે કોવલમથી કેલમ્બક્કમ જઈ રહ્યું હતું. ત્યારે અચાનક ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન રોડ પરથી ઉતરી પલટી મારી ગયું હતું. પોલીસે કહ્યું હતું કે કારની અંદર ફસાયેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટનાને જોઈને પસાર થતા લોકોએ પલટી ગયેલી કારમાંથી બે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને તેમને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું.