ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય ,પ્રિયંકા ગાંધી

બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલા અને અત્યાચારને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકા ગાંધીએ સોમવારે (૧૨ ઓગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા લખ્યું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના સમાચાર ચિંતાજનક છે.

તેમણે કહ્યું કે ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે અને ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મોને અનુસરતા લોકોની સુરક્ષા અને સન્માન સુનિશ્ર્ચિત કરશે.

અવામી લીગના નેતા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ અને દક્ષિણ એશિયાઈ દેશમાં અનામત મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ચિંતિત છે. રવિવારે, હિંદુ સમુદાયના લોકો બંદરીય શહેર ચિત્તાગોંગમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના જીવન, સંપત્તિ અને પૂજા સ્થાનોની સુરક્ષાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ‘બાંગ્લાદેશ અમારી માતૃભૂમિ છે અને અમે ક્યાંય જઈશું નહીં.’