રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની “આગ” હજી બુઝાઈ નથી ત્યાં રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ૧.૮૦ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાઈ ગયા હતા.આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી ફાયર સેટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક સાયો હતો. તે સમયે મારૂએ ફરિયાદી પાસે રૂ.૩,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
આથી ફરિયાદીએ તેમને રૂ.૧,૨૦,૦૦૦ આપી દીધા હતા. બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી થયું હતું.બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં જળ બિછાવી હતી. જ્યાં લાંચના રૂ.૧,૮૦,૦૦૦ રૂપિયા લેતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.