સ્વાતંત્રતા દિવસ રાજ્ય ઉત્સવ ખેડા નડિયાદ:: દેશનું ગૌરવ – દેશનું અભિમાન – તિરંગો હર ઘરની શાન ::

  • “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
  • 1000 મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી તિરંગા યાત્રાથી તિરંગામય બન્યું નડિયાદ શહેર : નડિયાદ દેશભક્તિના રંગે રંગાયું.

78મા સ્વાતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જીલ્લા ખાતે થનાર છે. સમગ્ર ખેડા જીલ્લામાં સ્વાતંત્ર પર્વને ઉજવવા દેશભક્તિને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે એસ.આર.પી ગ્રાઉન્ડથી ઇપકોવાળા હોલ, નડિયાદ સુધી 4 કિમી લાંબી તિરંગાયાત્રા યોજાઇ હતી. જેમાં 5000 થી વધુ નાગરિકો જોડાયા હતા, અને ભારત માતા કી જય ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફુલ વર્ષા કરી ઉમળકાભેર તિરંગાયાત્રાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર નડિયાદ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.

બંદૂક ફાયરિંગના રાઉન્ડ સાથે આ યાત્રાને ખેડા જીલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેઓ હાથમાં ધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા અને જીલ્લાના નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તિરંગા રેલીમાં પોલીસ જવાન, બ્લેક કમાન્ડો, ગુજરાત પોલીસ કમાન્ડો, પોલીસ બેન્ડ, ટ્રાફિક પોલીસ, એન.સી.સી. કેડેટ્સ, ડોગ્સ સ્કવોડ સહિતની પોલીસની ટીમ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના વિવિધ મંડળો, દિવ્યાંગજનો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો 1000 મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળ્યા હતા.

આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે 15ઓગસ્ટના રોજ ખેડા જીલ્લા ખાતે થનાર રાજ્ય કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે, ત્યારે આજે ખેડા જીલ્લામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં શહેરના યુવાનો, વરિષ્ઠો, સામાજીક-ધાર્મિક સંસ્થાઓ વગેરે જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી છે અને જીલ્લામાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે.

તિરંગા યાત્રામાં ધારાસભ્યો સર્વ પંકજ દેસાઈ, સંજયસિંહ મહીડા, રાજેશ ઝાલા, કલ્પેશ પરમાર,રેન્જ આઈજી જે.આર.મોથલીયા, જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, એસઆરપી કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, કેડીસીસી બેંકન ચેરમેનતેજસ પટેલ, પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો,શાળા કોલેજના યુવાનો, મહિલાઓ, દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

રેન્જ આઈ.જી. જે.આર. મોથલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નડિયાદ એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમનું રીહર્સલ યોજાયું

નડીયાદ ખાતે 78મા સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેને ધ્યાને લઈ ખેડા જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નડિયાદ એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈ.જી. જે.આર. મોથલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.

જેમાં પોલીસ બેન્ડ સાથે આગમન, ધ્વજવંદન, પોલીસ જવાનો દ્વારા પરેડ, શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા પોલીસ જવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રામ, રાયફલ ડ્ર્રીલ, નેવી પેટ્રોલીંગ, ડોગ શોરાષ્ટ્રગાન અને નગરજનોનું પોલીસની જીપમાં બેસીને અભિવાદન સહિતનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

રેન્જ આઈ.જી. જે.આર.મોથલિયાએ જણાવ્યું હતું કે,સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને હવે ફક્ત બે દિવસ જ બાકી છે. ત્યારે સૌએ આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલ રિહર્સલમાં ખુબ સરસ પ્રદર્શન કર્યું છે.

રેન્જ આઈ.જી.એ પોલીસ વિભાગ દ્વારા 19 પ્લાટુન, 150 રાઈફલ, મરીન ટાસ્ફ ફોર્સ અને 370 જેટલી મહિલા પોલીસ જવાનો દ્વારા વિવિધ કાર્યક્રમ રજુ કરવામાં આવશે તેમ જણાવીને 15 ઓગસ્ટના રોજ યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં પણ સૌ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે આશા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલતા. 13 ઓગસ્ટના રોજ ખેડા જીલ્લાના પ્રભારી સચિવની ઉપસ્થિતિમાં એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે રીહર્સલ યોજાશે.

આ અવસરે જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, એસઆરપી કેમ્પ જીલ્લા પોલીસ અધિક્ષક અતુલ બંસલ,નાયબ વનસંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી સહિત જીલ્લાના વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.