પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યું છે. જે અંતર્ગત આજરોજ પંચમહાલ જીલ્લાના તાલુકા મથકો ખાતે વિવિધ કાર્યક્રમો સહિત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત પંચમહાલ જીલ્લાના તમામ સાત તાલુકાઓ મથક ખાતે ધારાસભ્યઓ સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા રેલી સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. શહેરા તાલુકા મથક ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકા મથકો ખાતેથી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું.
જીલ્લાના વિવિધ ગામ અને શાળાઓ ખાતે તિરંગા યાત્રા સહિત રંગોળી,ચિત્ર,નિબંધ અને વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ ભવ્ય તિરંગા યાત્રાએ નગર સહિત ગામોમાં પણ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તા.13 ઓગસ્ટના રોજ સાંજે 3 વાગ્યે ગોધરા ખાતે જીલ્લા કક્ષાનો તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે. આ યાત્રા પોલીસ હેડ ક્વાર્ટરથી લઈને રામ સાગર તળાવ સુધી યોજાશે.જીલ્લાના દરેક સમાજના વર્ગોને આ રેલીમાં જોડાવા માટે જીલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.
તાલુકા મથક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ જવાનો,હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો,સામાજીક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.