ઇટલીમાં શાહરુખ ખાન ’પાર્ડો અલ્લા કેરિયરા’ એવોર્ડથી સન્માનિત થયો

શાહરુખ ખાનની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં મજબૂત ફેન ફોલોઈંગ છે. શનિવારે સાંજે લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪માં તેને પાર્ડો અલ્લા કેરિયરા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઈવેન્ટના તેના તમામ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હિન્દી ભાષામાં વાત કરતાં તેણે ફેન્સના આઈ લવ યુ નો જવાબ આપ્યો હતો. તેણે મજાકમાં એમ પણ કહ્યું કે તે આ એવોર્ડ ટાઈટલનું નામ બોલી શકશે નહીં કારણ કે તે ખૂબ જ અઘરું છે. તેની ૨૦૦૨ની ફિલ્મ ’દેવદાસ’ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. કિંગ ખાન ૧૧ ઓગસ્ટ(આજે)યોજાનારા સેશનમાં ચાહકોના સવાલોના જવાબ આપશે.

એવોર્ડ મેળવ્યા બાદ શાહરુખ ખાને ટ્રોફી વિશે કહ્યું, ’તે ખૂબ જ ભારે છે’ અને તેને બાજુ પર મૂકી દીધી, જેનાથી લોકો હસી પડ્યા. અભિનેતાએ કહ્યું, ’ખુલ્લા હૃદયથી મારું સ્વાગત કરવા માટે હું તમારા બધાનો આભાર માનવા માંગુ છું, જે આ ખૂબ જ સુંદર, ખૂબ જ સાંસ્કૃતિક, ખૂબ જ કલાત્મક અને ખૂબ જ હૂંફાળું શહેર લોકાર્નોમાં સ્ક્રીન પર મારાં સ્વાગત કરતાં પણ વધુ અદ્ભુત છે.’

તેણે આગળ કહ્યું, ’એક નાની જગ્યામાં ઘણા લોકો બેઠા છે અને એટલી ગરમી છે, એવું લાગે છે કે જાણે ભારતમાં ઘરે હોઉં. આથી મને અહીં આમંત્રિત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. છેલ્લી બે સાંજ ખૂબ અદ્ભુત રહી. ભાષણ દરમિયાન, પ્રેક્ષકોમાં એક ચાહકે બૂમો પાડી, ’આઈ લવ યુ’. શાહરુખે કહ્યું, ’હું પણ તમને પ્રેમ કરું છું.’ તેણે ભાષણ દરમિયાન કહ્યું ’દિવસ અદ્ભુત હતો, ભોજન અદ્ભુત હતું, મારું ઇટાલિયન સુધરી રહ્યું છે અને મારી રસોઈ પણ સુધરી રહી છે,’ પછી તેણે ઇટાલિયન ભાષામાં વાત કરી અને અનુવાદ કર્યો, ’હું પાસ્તા અને પિઝા પણ બનાવી શકું છું.’ હું અહીં લોકાર્નોમાં શીખી રહ્યો છું.’

પોતાનું ભાષણ પૂરું કરતાં શાહરુખે હિન્દીમાં કહ્યું, ’હું મારા હૃદયના ઊંડાણથી અને સમગ્ર ભારત વતી તમારો આભાર માનું છું. નમસ્કાર અને આભાર. ભગવાન તમારા સૌનું ભલું કરે’કાર્યક્રમ પહેલા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલે શાહરુખનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. ફેસ્ટિવલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં, શાહરુખ અદભુત બ્લેક બ્લેઝર અને મેચિંગ ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે, જે અદભુત લુક આપી રહ્યો છે.

શાહરુખને ફેસ્ટિવલના ’લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. ધ હોલિવૂડ રિપોર્ટર અનુસાર, તે ૧૧ ઓગસ્ટના રોજ એક સવાલ-જવાબ સેશનમાં પણ ભાગ લેશે.તેની કારકિર્દીને સન્માનિત કરવા માટે, ફેસ્ટિવલમાં સંજય લીલા ભણસાલીની ૨૦૦૨ની ફિલ્મ ’દેવદાસ’ દર્શાવવામાં આવી હતી, જેમાં તેણે એક અમીર લો ગ્રેજ્યુએટની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ઐશ્ર્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ’કિંગ’નું શૂટિંગ શરૂ કરશે. અહેવાલ મુજબ આ ફિલ્મમાં શાહરુખની પુત્રી અને અભિનેત્રી સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં હશે. રિપોર્ટ્સ અનુસાર, ’કિંગ’નું નિર્દેશન સુજોય ઘોષ કરશે.