કેજરીવાલના બંગલાનું રિનોવેશન કરનાર ૩ એન્જિનિયર સસ્પેન્ડ: મોડિફિકેશનના નામે નિયમોનું ઉલ્લંઘન કર્યું

  • ૧૨ મે, ૨૦૨૩ના રોજ વિજિલન્સ વિભાગના રિપોર્ટ અનુસાર કેજરીવાલના ઘર પર ૩૩.૪૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે ત્રણ એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. તેમના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશનમાં કથિત અનિયમિતતામાં સામેલ હોવાનો આરોપ છે. આ એન્જિનિયરોએ કેજરીવાલના ઈશારે અન્ય ચાર લોકો સાથે મળીને મોડિફિકેશનના નામે ઘણા નિયમોનો ભંગ કર્યો અને સામાનની કિંમતમાં પણ વધારો કરીને દર્શાવી હતી. આ એન્જિનિયરોના નામ પ્રદીપ કુમાર પરમાર, અભિષેક રાજ અને અશોક કુમાર રાજદેવ છે. કેજરીવાલના બંગલાના રિનોવેશનમાં આ ત્રણેય સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. તેમને સાથ આપનારા ચાર લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. CBI પહેલાથી જ કેસની તપાસ કરી રહી છે.

પ્રદીપ પરમાર હાલમાં ગુવાહાટી, આસામમાં પોસ્ટેડ છે, અભિષેક રાજ પશ્ર્ચિમ બંગાળના ખડગપુરમાં કામ કરે છે. તકેદારી વિભાગના જણાવ્યા અનુસાર, આ એન્જિનિયરોએ જાહેર બાંધકામ વિભાગ સાથે મળીને કામ કર્યું હતું. તેમણે કોવિડ-૧૯ દરમિયાન કેજરીવાલના નવા બંગલાના બાંધકામની મંજૂરી આપવા માટે ઈમરજન્સી ક્લોઝનો ઉપયોગ કર્યો હતો, તેમ છતાં તે સમયે આવી કોઈ ઈમરજન્સી નહોતી.

જ્યારે નાણા વિભાગ કોરોનાને કારણે નાણાકીય વ્યવસ્થાપન અને ખર્ચ ઘટાડવાના આદેશો આપી રહ્યું હતું, તે જ સમયે પીડબ્લ્યુડી મંત્રીએ જૂના મકાનમાં ફેરફાર કરવાના નામે નવા બંગલા બનાવવાની કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિજિલેન્સ વિભાગે રેકોર્ડ પર કહ્યું છે કે જૂની ઈમારતને તોડીને નવી ઈમારતનું નિર્માણ અને ખર્ચમાં જંગી વધારો, આ બધું પીડબ્લ્યુડી મંત્રીના ઈશારે કરવામાં આવ્યું હતું. જેના કારણે કન્સલ્ટન્ટ દ્વારા રજુ કરવામાં આવેલા ઈન્ટીરીયર ડ્રોઈંગમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.આ ફેરફારોને કારણે, બંગલાના બાંધકામ માટે ફાળવવામાં આવેલી રકમ અને અંતિમ ચૂકવણી વચ્ચે ઘણો તફાવત હતો. વિજિલેન્સ વિભાગે કહ્યું હતું કે કલાત્મક અને સુશોભન કાર્યો, સારી ગુણવત્તાના પથ્થરનો ઉપયોગ, સારા લાકડાના દરવાજા અને ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા જેવી વસ્તુઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

૧૨ મે, ૨૦૨૩ના રોજ વિજિલન્સ વિભાગના રિપોર્ટ અનુસાર કેજરીવાલના ઘર પર ૩૩.૪૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અને તેમની ઓફિસ માટે ૧૯.૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમનો જૂનો બંગલો તોડીને નવો બંગલો બનાવવામાં આવ્યો હતો.રિપોર્ટ્સ અનુસાર, ૨૦૨૦માં તત્કાલિન પીડબ્લ્યુડી મંત્રીએ કેજરીવાલના બંગલા (૬, લેગ સ્ટાફ રોડ)માં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે બંગલામાં એક ડ્રોઈંગ રૂમ, બે મીટિંગ રૂમ અને ૨૪ લોકોની ક્ષમતાવાળો ડાઈનિંગ રૂમ બનાવવો જોઈએ. આ માટે બંગલાનો બીજા માળ બનાવવાનો પ્રસ્તાવ હતો.

જો કે, દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટએ કહ્યું હતું કે બંગલો તોડીને એ જ જગ્યામાં નવો બંગલો બનાવવો જોઈએ પીડબ્લ્યુડીએ જણાવ્યું કે આ બંગલો ૧૯૪૨-૪૩ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. તેને બનાવ્યાને ૮૦ વર્ષ થઈ ગયા છે, તેથી તેની ઉપર નવો માળ બનાવવો યોગ્ય નહીં ગણાય.

ભાજપે મુખ્યમંત્રી આવાસના રિનોવેશનમાં ગોટાળાના આરોપ લગાવ્યા હતા. આ પછી, લેટનન્ટ ગવર્નરે એપ્રિલમાં મુખ્ય સચિવ નરેશ કુમારને આદેશ આપ્યો હતો કે તેઓ કેસ સાથે સંબંધિત ફાઈલોને સુરક્ષિત રાખે અને તેમને સાચો રિપોર્ટ સોંપે. આ રિપોર્ટ ૧૨ મે ૨૦૨૩ના રોજ લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરવામાં આવ્યો હતો. તેના પર વિશેષ સચિવ વિજિલન્સ રાજશેખરે હસ્તાક્ષર કર્યા હતા.

આ અંગે ગયા વર્ષે જ આપે કહ્યું હતું કે ભાજપ છેલ્લા ૯ વર્ષથી કેજરીવાલની છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ તેમાં સફળ થયા નથી. તેથી, હવે તેઓ તેમના ઘરને નિશાન બનાવી રહ્યા છે.રિપોર્ટમાં એવું કંઈ નથી કે જે સાબિત થાય કે કંઈ ખોટું થયું છે. દિલ્હીમાં પહેલીવાર મુખ્યમંત્રી માટે સત્તાવાર નિવાસ સંકુલ બનાવવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીનું નિવાસસ્થાન, કાર્યાલય સચિવાલય, ઓડિટોરિયમ અને સ્ટાફ ક્વાર્ટરનો સમાવેશ થાય છે.